આ મુદ્દે વિજય રૂપાણી દ્રારા ગાંધીનગરની ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં બદનક્ષીનો દાવો રજૂ કર્યો હતો. આ દાવા હેઠળ કોર્ટે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ થવા સમન્સ પાઠવ્યું હતું. કોર્ટમાં ચારેય આરોપીઓએ બિનશરતી માફી માંગતું સોગંદનામૂ રજૂ કર્યું હતું. જે વિજય રૂપાણીએ ગ્રાહ્ય રાખ્યું હતું અને કોર્ટમાંથી બદનક્ષીનો દાવો પરત ખેંચ્યો હતો. દાવો પરત ખેંચ્યા બાદ વિજય રૂપાણીએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે આ સત્યનો વિજય છે.
વિજય રૂપાણીએ કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસના નેતાઓએ મારી સામે ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ કરતી પત્રકાર પરિષદ કરી ત્યારે મેં પણ પત્રકાર પરિષદ કરીને આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. મેં આ આક્ષેપો પાછા ખેંચીને માફી માંગવાની માંગ કરી હતી જો કે કોંગ્રેસના મિત્રોએ માફી માંગી ન હતી અને મેં લોકોને સાચી હકિકત ખબર પડે તે માટે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો.
રાજકારણમાં કોઇપણ આક્ષેપ હોય તેની સાચી વાત લોકો વચ્ચે મુકવી જોઇએ જો ન મુકીએ તો ભ્રષ્ટ્રાચાર થયો છે તેવુ લાગે. આજે સત્યનો વિજય થયો છે. આ આક્ષેપો માત્ર રાજકીય આક્ષેપો જ હતા. ગત 26 તારીખના રોજ કોંગ્રેસના મિત્રો અને હું કોર્ટમાં હાજર રહ્યા હતા અને તમામ નેતાઓએ કોર્ટમાં બિનશરતી માફી માંગતા મેં આ કેસ પરત ખેંચ્યો છે.
પૂર્વ સીએમ વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા હોય છે પરંતુ રાજકીય રોટલાં શેકવા માટે ગમે તેવા પાયાવિહોણા આક્ષેપો ન ચાલે એટલા માટે જ મેં બદનક્ષીનો દાવો કર્યો. કોંગ્રેસના મિત્રોએ કોર્ટમાં એફિડેવિટ આપીને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેઓ દ્રારા લગાડવામાં આવેલા આક્ષેપો માત્ર રાજકીય છે અને એટલા માટે તેઓએ એફિડેવિટ કરીને માફી માંગી છે જેના કારણે મેં કેસ પરત ખેંચ્યો છે.
પૂર્વ CM રૂપાણીએ કહ્યું હતું કે રાજનિતીમાં લાગેલા આક્ષેપોમાં બઉં ઓછા લોકો બદનક્ષી કરતા હોય છે. વર્ષો પછી ગુજરાતમાં રાજકીય વ્યક્તિ દ્રારા બદનક્ષી થઇ હશે અને તેની કોર્ટમાં માફી મંગાઇ હશે. મેં પાંચ વર્ષ દરમિયાન ઇમાનદારૂ પૂર્વક શાસન કર્યુ છે. આજે સત્યનો વિજય થયો છે.
મહત્વનું છે કે સી.જે.ચાવડા અને સુખરામ રાઠવાના પુત્ર હાલમાં ભાજપમાં છે જેથી આ સમાધાન તેના કારણે થયું છે? તેના જવાબમાં વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું કે આ બાબત ગૌણ છે પરંતુ મારી સામે જે આક્ષેપો કર્યા હતા તેની એફિડેવિટ સાથે માફી માંગતા મેં કેસ પરત ખેંચ્યો છે. વિજય રૂપાણી દ્રારા કરવામાં આવેલા બદનક્ષીના દાવામાં તેમના તરફી વકીલ અંશ ભારદ્રાજે જરૂરી દલીલ કાર્યવાહી કરી હતી.