Rajkot: બિપરજોય વાવાઝોડાને અનુલક્ષીને આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારી અને કર્મચારીને રજા રદ કરી ફરજ પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ સાધન સામગ્રી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાયો છે. હોસ્પિટલના તમામ જનરેટર ચાલુ સ્થિતિમાં ડિઝલ સાથે તૈયાર રાખવામાં આવ્યા છે, ઈલેક્ટ્રીક વિભાગને તેમજ ઈમરજન્સી વિભાગ ખાતે તમામ વિભાગનાં રેસિડેન્ટ ડોક્ટરને ફરજ પર હાજર રહેવા જણાવાયુ છે.
આ ઉપરાંત, હાલની ઈમરજન્સી સેવાઓ ઉપરાંત PMSSY ગ્રાઉન્ડ ફ્લોરમાં ઈમરજન્સી રૂમ, કેસબારી તથા ફાર્મસી અને PMSSYનાં સેકન્ડ ફ્લોરમાં 40 પથારીનો અલગ ઈમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. તેમજ PMSSY ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કંટ્રોલ રૂમ 24×7 કાર્યરત રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવેલ છે, સગર્ભા દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તબીબ અને નર્સિંગ સ્ટાફની પણ ટીમ તૈયાર રાખવામાં આવેલ છે. જેથી જરૂર પડયે આ ટીમને સંબધીત વિસ્તારમાં મોકલીને તાત્કાલીક કામગીરી હાથ ધરવામાં આવશે.
વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાય તો પણ વેન્ટીલેટર પર રહેલા દર્દીઓને તકલીફ ન પડે તે માટે સંકલન કરીને જનરેટરની સંખ્યા વધારવામાં આવી છે અને વેન્ટીલેટર વ્યવસ્થિત કામ કરી શકે તેવી સ્થિતિમાં તૈયાર કરી લેવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાની અસર સામે બચાવ માટે આવશ્યક પગલાં લેવાઇ રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મામલતદારઓની આગેવાનીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિકોને સ્થળાંતરિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : જિલ્લામાં છવાયો વરસાદી માહોલ, દામોદર કુંડમાં નવા નીરની આવક, જુઓ Video
રાજકોટ જિલ્લામાં આજરોજ જેતપુર શહેરમાં 51 બાળકો મળી કુલ 99 લોકો, ગોંડલ શહેર અને ગ્રામ્યમાં 95 બાળકો અને 3 સગર્ભાઓ મળી કુલ 340 લોકો, વિંછીયા તાલુકાના વિંછીયા, મોઢુકા અને આંકડીયા ગામના 41 લોકો, લોધીકા તાલુકામાં 82 લોકો, ધોરાજી તાલુકામાં 37 બાળકો અને 2 સગર્ભાઓ મળી કુલ 172 લોકો, ઉપલેટા તાલુકામાં ૬૫ બાળકો મળી 180 લોકો તેમજ જામકંડોરણા તાલુકામાં 18 બાળકો મળી કુલ 112 લોકોને સ્થળાંતરિત કરાયા છે. આમ, રાજકોટ જિલ્લાના 7 તાલુકાઓમાં કુલ 1026 લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે.