
રાજકોટમાં ગઈકાલે (16.04.2025)સિટી બસના ડ્રાઈવરે બેફામ બસ હંકારી 4 લોકોને મોતની નીંદર સુવડાવી દીધી છે જ્યારે 2 લોકો હજુ સારવાર હેઠળ છે, જેઓ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અકસ્માતને પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આક્રોષની લાગણી જોવા મળી છે. યમદૂત બનીને આવેલી બસની રફ્તારે 6 લોકોને કચડી નાખ્યા. જેમા 3 લોકોના તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતની આ ઘટના કોંગ્રેસ અને NSUI ના કાર્યકર્તાઓએ આજે કોટેચા ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યુ. જે બાદ મનપા કચેરીનો ઘેરાવ કરી મનપા કમિશનર સામે સવાલોનો મારો ચલાવ્યો હતો.
NSUI એ આક્ષેપ કર્યો છે કે સિટી બસના બેદરકારી અંગે અનેક વખત રજૂઆત કરી છતા તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાયા. કોની છત્રછાયા નીચે આ પ્રકારે સિટી બસના ડ્રાઈવરો બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે.
આ તરફ શહેર કોંગ્રેસના નેતાઓએ મનપા કચેરીએ જઈ મ્યુનિ.કમિશનરનો ઘેરાવ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસે મનપા કમિશનર સમક્ષ મૃતકોના પરિજનોને 50 લાખની સહાય આપવાની માગ કરી છે. તેમજ સિટી બસનું સંચાલન ખાનગી કંપની ના બદલે રાજકોટ મહાનગરપાલિકા જ તેનું સંચાલન કરે તેવી માગ કરવામાં આવી છે.
જે દિલ્હીની કંપનીને સિટી બસનો કોન્ટ્રાક્ટ સોંપાયો છે, તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે, જે લોકોના મોત થયા છે તેમના પરિજનોને કંપની તરફથી 50-50 લાખ અપાવવામાં આવે અને જે ઈજાગ્રસ્તો છે તેમને 10-10 લાખની સહાય રાશી અપાવવાની માગ કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે. બીજી તરફ શહેરે કોંગ્રેસે એવી પણ માગ કરી છે કે શહેરમાં છેલ્લા 8 મહિનામાં સિટી બસે સર્જેલા અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. તો એ આઠેય મૃતકોના પરિજનોને 50-50 લાખ સિટી બસ કંપની ચુકવે.
આ તરફ કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે અનેકવાર સિટીબસની લાલિયાવાડીને લઈને રજૂઆત કરવામાં આવી હતી છતા તંત્રના કોઈ અધિકારીઓ તેને ધ્યાને લીધી ન હતી. તેના જ પરિણામે આ પ્રકારનો ગંભીર અકસ્માત સર્જાયો અને 4 નિર્દોષોનો ભોગ લેવાયો છે.
સિટી બસ કંપનીના કોન્ટ્રાક્ટનું સંચાલન ભાજપના કોઈ કાર્યકરને અપાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે, તે વ્યક્તિ સામે પણ ગુનો દાખલ કરી પગલા લેવાની માગ કરાઈ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:22 pm, Thu, 17 April 25