શહેરને પે એન્ડ પાર્કિંગમાંથી મુક્તિ આપીને ફ્રિ પાર્કિંગ વ્યવસ્થા કરવી જોઇએ. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના (BJP) જ કોર્પોરેટર (Corporator) નેહલ શુક્લએ (Nehal Shukla)આ પ્રસ્તાવ મનપા સમક્ષ મૂક્યો છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં 6 વધારાના પે એન્ડ પાર્કિગ શરૂ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જોકે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લએ આ દરખાસ્ત અંગે ચર્ચા કરતા શહેરમાં પે એન્ડ પાર્કિંગમાંથી શહેરીજનોને મુક્તિ આપવાની માંગ કરતો પત્ર સ્ટેન્ડિંગ ચેરમેનને લખ્યો હતો. નેહલ શુક્લએ કહ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે હેતુથી પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ પાર્કિંગ પોઇન્ટ કોન્ટ્રાક્ટરોની દાદાગીરીના પોઇન્ટ બની ગયા છે. એટલું જ નહિ લોકો પાર્કિંગના ચાર્જથી બચવા માટે ગમે ત્યાં પાર્કિંગ કરી રહ્યા છે. જેના કારણે ઉલટાની ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. પે એન્ડ પાર્કિંગ પણ બંધ થાય અને મનપાની તિજોરીને કોઇ વધારાનો બોજો ન પડે તે માટે નેહલ શુક્લએ પોતાના ટ્રસ્ટમાંથી જે પણ આવક છે તેનાથી 50 હજાર રૂપિયા વધારે મનપાને આપવાની જાહેરાત કરી છે.
અમે નેહલ શુક્લની સાથે છીએ-કોંગ્રેસ
આ મુદ્દે કોંગ્રેસે નેહલ શુક્લની વાતને સમર્થન આપ્યું હતું. આ અંગે મનપાના વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે પે એન્ડ પાર્કિંગ પોઇન્ટ કોન્ટ્રાક્ટરની દાદાગીરીનો અને ગેરકાનુની પ્રવૃતિનો અડ્ડો બની ગયો હોય તેવો આક્ષેપ કરતા આ દુર કરવાની માંગને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. જોકે નેહલ શુક્લને પણ સાથે ટકોર કરતા કહ્યું હતું કે નેહલ શુક્લ આ મામલે અડગ રહે કારણ કે ભાજપના નેતાઓ પાર્ટીના દબાણ સામે લાચાર થઇ જતા હોય છે.
શહેરમાં કુલ 43 પે એન્ડ પાર્કિંગ આવેલા છે વર્ષે 9 થી 10 લાખની આવક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ગીચ વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગની સુવિધા રાખી છે. જે મુજબ શહેરમાં હાલમાં 43 જેટલા પે એન્ડ પાર્કિંગ આવેલા છે જેમાં મહાનગરપાલિકાને દર વર્ષે 9 થી 10 લાખ રૂપિયાની આવક થાય છે. મહાનગરપાલિકા દ્વારા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જ વધારાના છ પે એન્ડ પાર્કિંગને મંજૂર કરવામાં આવ્યા છે. જો મનપા દ્વારા નેહલ શુક્લનો પ્રસ્તાવ માન્ય રાખવામાં આવે તો દર વર્ષે 10 લાખ રૂપિયા જેટલી રકમ મનપામાં જમા કરાવવી પડે.
આ પણ વાંચો : ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલ-દુધ બાદ મસાલાના ભાવમાં પણ વધારો
આ પણ વાંચો : Surat : સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ, તપાસ થાય તે પહેલા બાળી દેવામાં આવ્યો