રાજકોટના્ લોકમેળામાં SOPને લઈને રાઈડ્સ સંચાલકો ટસ ના મસ થવા તૈયાર નથી દેખાઈ રહ્યા. રાઈડ્સ સંચાલકોએ કલેક્ટર સમક્ષ SOPના નિયમો હળવા કરવા સંદર્ભે રજૂઆત કરી છે. જો કે કલેક્ટરે પણ નિયમોમાં કોઈપણ છૂટછાટ કે બાંધછોડ કરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે આ મુદ્દે હવે રાઈડ્સ સંચાલકો પણ જીદે ભરાયા છે અને સ્ટોલની ફાળવણી મુદ્દે થનારી હરાજીમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો છે. રાઈડ્સ સંચાલકોનું કહેવુ છે “જો SOPમાં ફેરફાર નહીં થાય તો અમે હરાજીમાં ભાગ નહીં લઈએ. અમે જુના નિયમો પ્રમાણે રાઈડ્સનું સંચાલન કરવા તૈયાર છીએ અને તંત્ર દ્વારા બનાવાયેલા નિયમો મોટા બ્રિજ અને રસ્તાઓ માટે હોય છે. જો કલેક્ટર બાંધછોડ કરવા તૈયાર ન હોય તો રાઈડ્સ વગર જ મેળો યોજાશે. અમે દરેક રાઈડ્સનો વીમો લઈએ છીએ, દરરોજ અમારી રાઈડ્સ પણ ચેક થાય છે. અમે સરકારને નિયમો હળવા કરવા રજૂઆત કરી છે, જો તેમ નહીં થાય તો મેળો રાઈડ્સ વગર યોજાશે”
આ તરફ રાઈડ્સની SOPને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યુ ” રાઈડ્સ અંગેની SOPમાં કોઈ ફેરફાર નહીં થાય. SOP લોકની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. મને આશા છએ કે રાઈડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે. બીજી તરફ તેમણે જણાવ્યુ કે રાઈડ્સ ચાલુ નહીં થાય તો મેળાના અન્ય આકર્ષણ પણ છે.”
મહત્વનું છે, રાઇડ્સની હરાજી માટેનો આજે છેલ્લો દિવસ છે. જો નિયમોમાં ફેરફાર નહીં કરાઇ તો રાઇડ્સધારકો હરાજીમાં નહીં જોડાય તેવી ચર્ચા છે. બીજી તરફ કલેક્ટર પ્રભવ જોશીનું કહેવું છે. કે “રાઇડ્સ ચાલુ નહીં થાય, તો મેળાના અન્ય આકર્ષણો પણ છે”. નિયમોના પાલન સાથે મેળાનું આયોજન કરવા તંત્ર મક્કમ છે. હવે જોવુ રહ્યું રાઇડ્સ ધારકો હરાજીમાં જોડાય છે કે પછી આ વખતે રાજકોટવાસીઓને રાઇડ્સ વિના જ મેળો માણવો પડશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:45 pm, Thu, 8 August 24