Breaking News : રાજકોટના આજી GIDCમાં લૂંટ અને હત્યા, 1 કિલો સોનું, 3 કિલો ચાંદીની લૂંટ, જુઓ Video
રાજકોટના આજી GIDC વિસ્તારમાં તન્વી ગોલ્ડના કર્મચારી લાલજીભાઈ સરધારાની હત્યા કરી 1 કિલો સોનું અને 3 કિલો ચાંદીની લૂંટ ચલાવાઈ છે. ચાર જેટલા બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો.

રાજકોટના આજી GIDC વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લૂંટના ઇરાદે ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં સોના-ચાંદીની લૂંટ ચલાવાઈ છે. આ ઘટનાએ શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ એક્સપોર્ટ નામની કંપની નજીક બની હતી. કંપનીના કર્મચારી લાલજીભાઈ સરધારા સાંજના 7 થી 8 વાગ્યાના સુમારે આશરે 800-900 ગ્રામ સોનું (લગભગ 1 કિલો) અને 3 કિલો ચાંદી લઈને પોતાના ટુ-વ્હીલર પર નીકળ્યા હતા. તે જ સમયે, એક ફોર-વ્હીલરમાં આવેલા ત્રણથી ચાર અજાણ્યા અને બુકાનીધારી શખ્સોએ તેમને આંતર્યા હતા.
લાલજીભાઈએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા લૂંટારુઓએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. લૂંટારુઓ સોના-ચાંદીનો વિશાળ જથ્થો લૂંટીને તરત જ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
પોલીસ દ્વારા શહેરભરમાં તાત્કાલિક નાકાબંધી
ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડીસીપી ઝોન-1 હેતલ પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ દ્વારા શહેરભરમાં તાત્કાલિક નાકાબંધી જાહેર કરવામાં આવી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, ટેકનિકલ ટીમો અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમોને કામે લગાડવામાં આવી છે. ઘટના સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ ચાલુ છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ સઘન તપાસ કરી રહી છે, જેથી આરોપીઓની ઓળખ થઈ શકે અને તેમને ઝડપી પાડી શકાય.
આ ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શક્યતા પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહી છે, કારણ કે લૂંટારુઓ દ્વારા રેકી કરવામાં આવી હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મોડી સાંજે GIDC વિસ્તારમાં વાહનોની અવરજવર ઓછી હોય છે અને સૂમસામ વાતાવરણનો લાભ ઉઠાવી લૂંટારુઓએ આ કૃત્ય આચર્યું હતું.
આ પ્રકારની ગંભીર ઘટના રાજકોટ જેવા શહેરમાં બનતા પોલીસ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. થોડા સમય અગાઉ પણ રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં એક આંગડિયા પેઢીમાં હથિયાર સાથે લૂંટનો બનાવ બન્યો હતો, જે દર્શાવે છે કે ગુનેગારોમાં પોલીસનો ડર ઓછો થયો છે. પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હોવા છતાં લૂંટારુઓએ હથિયારોનો ઉપયોગ કરી આ ઘટનાને અંજામ આપ્યો છે, જે પોલીસ માટે એક મોટો પડકાર છે. પોલીસ કેટલા સમયમાં આ લૂંટારુઓને ઝડપી પાડી ન્યાય અપાવે છે તે જોવું રહ્યું.
પાડોશી દેશમાંથી આવેલા 300થી વધુ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા
