
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં આજે ડિમોલેશન થયું. સરકારી જમીનને ખાલી કરવા તંત્રની કામગીરીને આવકાર, પણ શું ક્યારેય એવો સવાલ થયો આટલું મોટું બાંધકામ થવા કોને દીધુ? ખૈર આ બાંધકામ તોડી પડાયું છે પણ સરકારી તંત્રને વિનંતી છે કે હવે સરકારી જમીન સાચવજો જેથી બીજું જંગલેશ્વર ઉભું ન થાય અને લોકોના સપનાના મહેલો તૂટી ન પડે.
જંગલેશ્વર વિસ્તારનું રાજકોટમાં નામ પડે એટલે લઘુમતી, માથાભારે,હિસ્ટ્રીશીટરોનો વિસ્તાર આવી વાત દરેક વ્યક્તિના મગજમાં નિશ્વિતપણે આવે. આ વાત એ લોકો પણ કરે જેઓ કદી જંગલેશ્વરમાં ગયા પણ નથી. જંગલેશ્વરમાં દબાણ દુર થાય તેનાથી એક વર્ગ (જે ત્યાં કદી ગયો નથી) જરૂર રાજીપો વ્યક્ત કરે કારણ કે તેની નજરમાં જંગલેશ્વર કંઇક અલગ છે. જો કે જેવી રીતે પાંચેય આંગળીઓ સરખી હોતી નથી તેવી રીતે જંગલેશ્વર વિસ્તારમાં તમામ લોકો ગુનેગારો છે તેવું નથી.
જ્યારથી અહીં ડિમોલેશનની ચર્ચા શરૂ થઇ અને આજે ડિમોલિશન શરૂ થયુ ત્યારથી આ લખનાર આ વિસ્તારમાં ફર્યા છે. લોકો રોજીરોટી મેળવવા બે ટંકનું ખાવા માટે મથી રહ્યા છે. નાની મોટી બચત ભેગી કરીને રહેવા માટે મકાન બનાવ્યું અને આજે તેની નજર સામે પત્તાનો મહેલ પડે તેમ આ મકાન તોડી પાડવામાં આવ્યું. વિચાર તો કરી જુઓ તમારા ઘરમાં એક બલ્બ ઉડી જાય તો તમારી શું હાલત થાય અને જેના આખા મકાનો તોડી પાડવામાં આવે તેનું શું ?
આ જ રાજકોટ મહાનગરપાલિકાએ પાણીની લાઇનો આપી, વેરાઓ વસુલ કર્યા, પીજીવીસીએલ દ્રારા વીજ કનેક્શન અપાયા અને હવે આ વિસ્તાર દબાણગ્રસ્ત છે તેવું કહીને તોડી પાડ્યું. આ રજીસ્ટર્ડ સ્લમ વિસ્તાર છે. અહીં વસતા લોકોને ખબર જ હશે કે આજે નહિ તો ક્યારેક આ તુટી જ પડવાનું છે. જમીન સરકારી છે પરંતુ 50 વર્ષથી છે જેથી કોઇને કોઇએ તો ખરીદી કરી હશે ને ? નદી બુરાતી હતી ત્યારે અધિકારીઓ સુતા હતા અથવા તો ગોઠવણ હતી, જેથી સામાન્ય માણસે આ ખરીદી કરી, ત્યાં પોતાનું આશિયાનું બનાવ્યું પરંતુ આજે તે તૂટી ગયુ.
રાજકોટ શહેરની મુળ વસ્તી કરતા નોકરી ધંધાની શોધમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોની સંખ્યા વધારે છે. ગરીબ અને સામાન્ય વ્યક્તિ રાજકોટમાં આવી અહીં સસ્તું ઘર મેળવવા આવા સુચિત વિસ્તારોમાં પોતાનું ઘર બનાવે છે અને મહાનગરપાલિકા પણ અત્યાર સુધી આવા ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપીને સંતોષ માની લેતી હતી પરંતુ આજે આ ઘરો સૂમસામ બન્યા છે અને પત્તાના મહેલની જેમ તુટી રહ્યા છે.
પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુઃખીની ડંફાસ મારતા એકપણ પક્ષના એકપણ નેતા જંગલેશ્વરમાં ફરક્યાં નથી. હા જ્યારે આ ટીપી રોડ બનશે તેના ખાતમુર્હતમાં તેઓ નવા ઝભ્ભા પહેરીને પહોંચી જશે. સત્તા પાસે શાણપણ નકામું. સત્તાએ ઇચ્છયું અને મકાનો પડ્યાં પણ આ સરકારને એટલી વિનંતી છે કે હવે લોકો દબાણ કરતા હોય તો તેને પહેલા જ રોકી દેજો. તમારી સરકારી જમીનને તમે સાચવજો જેથી ફરી કોઇ ગરીબનું ઘર ન પડે અને તમારે એ ઘર પાડવાની નોબત ન આવે.
Input Credit- Mohit Bhatt- Rajkot
Published On - 5:51 pm, Mon, 23 February 26