રાજકોટ લોકમેળાનો આજથી પ્રારંભ, પરંતુ રાઇડ્સને હજુ સુધી મંજૂરી નહીં મળતા મેળો ફિક્કો રહેશે
મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે રાજકોટ સિટી રાઇડ્સ એન્ડ સેફ્ટી કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આ કમિટીમાં વિવિધ વિભાગોના 13 જેટલા સભ્યોનો સમાવેશ થાય છે. રાજકોટના લોકમેળામાં કુલ 34 રાઇડ્સ માટે 11 જેટલા સંચાલકોએ અરજી કરી છે. જોકે, અત્યાર સુધી કમિટી દ્વારા એકપણ રાઇડ માટે મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે પોલીસ વિભાગ દ્વારા પણ રાઇડ્સ શરૂ કરવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.

Rajkot : જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા લોકમેળાનો આજથી પ્રારંભ થવાનો છે. આજે બુધવારે રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જોકે, મેળો શરૂ થવાના આડે ગણતરીના કલાકો બાકી હોવા છતાં અત્યાર સુધી એકપણ રાઇડને મંજૂરી ના મળતાં પ્રથમ દિવસે મેળાની રોનક ફિક્કી રહેવાની શક્યતા છે.
મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે રાજકોટ સિટી રાઇડ્સ એન્ડ સેફ્ટી કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આ કમિટીમાં વિવિધ વિભાગોના 13 જેટલા સભ્યોનો સમાવેશ થાય છે. રાજકોટના લોકમેળામાં કુલ 34 રાઇડ્સ માટે 11 જેટલા સંચાલકોએ અરજી કરી છે. જોકે, અત્યાર સુધી કમિટી દ્વારા એકપણ રાઇડ માટે મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે પોલીસ વિભાગ દ્વારા પણ રાઇડ્સ શરૂ કરવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.
સ્પેશિયલ બ્રાન્ચના DCP જગદિશ બાંગરવાએ જણાવ્યું હતું કે, કમિટી દ્વારા રાઇડ્સની સલામતી સહિતની બાબતો અંગે અભિપ્રાય આપવામાં આવે છે. કમિટી દ્વારા જેમ જેમ મંજૂરી આપવામાં આવશે તેમ તેમ રાઇડ્સ શરૂ કરવામાં આવશે. આજે મેળાના ઉદ્ઘાટન સમયે એકાદ-બે રાઇડને મંજૂરી મળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, જો મંજૂરીમાં વિલંબ થશે તો પ્રથમ દિવસે રાઇડ્સ વગર જ મેળો શરૂ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
ખાણીપીણીના સ્ટોલ પર મનપાની ફુડ શાખાની તપાસ
બીજી તરફ રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાની તૈયારીઓ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ખાણીપીણીના સ્ટોલની તપાસ હાથ ધરવામાં આવી છે. મેળો શરૂ થાય તે પહેલાં ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને હંગામી ફુડ લાયસન્સ આપવામાં આવી રહ્યા છે.
મનપાની પ્રાથમિક તપાસ મુજબ લોકમેળામાં ખાણીપીણીના આશરે 45થી 50 સ્ટોલ આવેલા છે. આ સ્ટોલમાં પાઉંભાજી, ભેળ, ઢોકળા, બટાટા, ખીચું, આઇસ્ક્રીમ સહિતની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
પાંચ દિવસ સુધી ચાલનારા લોકમેળા દરમિયાન ખાદ્ય વિક્રેતાઓને પ્રતિબંધિત કલરનો ઉપયોગ ન કરવા, વાસી અથવા ખાવા યોગ્ય ન હોય તેવા શાકભાજીનો ઉપયોગ ન કરવા તેમજ એક્સપાયરી ડેટ વાળા ખાદ્યપદાર્થોનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે.
જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન જ કેટલાક સ્ટોલ પરથી સડેલા બટાટા અને પ્રતિબંધિત કલર મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકમેળા દરમિયાન પણ ફુડ શાખા દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે.
આમ, એક તરફ જન્માષ્ટમીના લોકમેળાને લઈને લોકોમાં ઉત્સાહ છે, તો બીજી તરફ રાઇડ્સને મંજૂરી ન મળતા મેળાની શરૂઆત જ થોડી ફિક્કી રહેવાની શક્યતા છે. હવે રાઇડ્સ એન્ડ સેફ્ટી કમિટી દ્વારા ક્યારે મંજૂરી આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
