
વારંવાર વિવાદોના વંટોળમાં ઘેરાયેલી રહેતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી સરકારી તંત્ર અને હોસ્પિટલ સ્ટાફની ઘોર સંવેદનહીનતા, લાપરવાહી અને અમાનવીયતાનો કાળજું કંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાંથી એક અતિ લાચાર અને વૃદ્ધ દંપતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક બીમાર અને સંપૂર્ણપણે અશક્ત વૃદ્ધ પતિને સારવાર અપાવવા માટે તેમની વયોવૃદ્ધ પત્ની હોસ્પિટલના દરવાજે પહોંચી હતી. પરંતુ અફસોસ અને શરમની વાત એ છે કે, દર્દીઓની સેવાની મોટી-મોટી ગુલબાંગો હાંકતા હોસ્પિટલ તંત્રમાંથી એક પણ કર્મચારી, વોર્ડબોય કે સિક્યુરિટી ગાર્ડે મદદનો હાથ લંબાવવાની તસ્દી ન લીધી. અંતે, કંપાવી મૂકે તેવા દ્રશ્યો વચ્ચે આ અશક્ત વૃદ્ધા પોતાના પતિને સ્ટ્રેચર પર બેસાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતે જ સ્ટ્રેચર ખેંચવા મજબૂર બન્યા હતા.
ધિક્કાર છે એવી માનસિકતા પર: જનતા તમાશો જોતી રહી, કોઈ અમીર હોત તો રીલ્સ બનાવવા દોડ્યા હોત!
આ આખી ઘટના દરમિયાન સૌથી મોટો આઘાત એ વાતનો છે કે આસપાસ ઊભેલા લોકો અને હોસ્પિટલનો સ્ટાફ માત્ર મૂકપ્રેક્ષક બનીને આ તમાશો જોતો રહ્યો. કોઈ પણ જમાદાર કે કર્મચારીને આ લાચાર વૃદ્ધા પર રતીભાર પણ દયા ન આવી અને તેમને તેમના હાલ પર જ છોડી દેવાયા. જો આ વૃદ્ધ દંપતીના સ્થાને કોઈ વગદાર કે પૈસાદાર વ્યક્તિ હોત, તો આ જ સ્ટાફ અને લોકો તેમની ખુશામત કરવા, મદદનો ઢોંગ કરવા અને સોશિયલ મીડિયા પર વીડિયો-રીલ્સ બનાવીને વાહવાહી લૂંટવા પડાપડી કરતા હોત! પરંતુ અહીં એક ગરીબ અને લાચાર વડીલ હતા, એટલે સૌની માનવતા મરી પરવારી.
ઘટનાનો વીડિયો વાયરલ થતાં અને ચારેબાજુથી ફિટકાર વરસતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું છે. પોતાની બદનામી ઢાંકવા માટે ઉતાવળે ત્યાં સિક્યુરિટી અને અટેન્ડન્ટ સ્ટાફ તૈનાત કરી દેવાયો છે. પરંતુ પોતાની અક્ષમ્ય ભૂલ સ્વીકારવાને બદલે હોસ્પિટલ સ્ટાફ જુદા-જુદા બહાના કાઢીને પોતાની ચામડી બચાવવાનો શરમજનક પ્રયાસ કરી રહ્યો છે.
અગાઉ પણ દર્દીઓ સાથેના દુર્વ્યવહારને કારણે વિવાદમાં આવી ચૂકેલી રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે હવે કડક અને દાખલારૂપ પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠી રહી છે.