
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીમાર પતિને સ્ટ્રેચર પર બેસાડીને એક અશક્ત વયોવૃદ્ધ પત્ની જાતે જ સ્ટ્રેચર ખેંચવા મજબૂર બન્યા હોવાનો કાળજું કંપાવી દેતો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં ભારે ફિટકાર વરસ્યો હતો. ચોતરફથી ભભૂકેલા જનરોષ અને TV9ના અહેવાલ બાદ આખરે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું સરકારી તંત્ર જાગ્યું છે. રાજ્ય આરોગ્ય વિભાગે આ ગંભીર બેદરકારીની નોંધ લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પાસે તાત્કાલિક સત્તાવાર ખુલાસો માંગ્યો છે.
આ ચકચારી મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્થાનિક સ્તરે તાબડતોબ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા દર્દી સહાયક સેવાઓ પૂરી પાડતી આઉટસોર્સિંગ એજન્સી તેમજ ઘટના સમયે ગેરહાજર કે હાજર રહેલા સંબંધિત કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી બચાવ કર્યો હતો કે, “તે સમયે સંબંધિત અટેન્ડન્ટ હાજર ન હોય તેવું બની શકે છે. નર્સિંગ સહિત તમામ સ્ટાફ હોવા છતાં આવી સ્થિતિ કેમ સર્જાઈ તેની તપાસ થઈ રહી છે. કર્મચારીની ક્ષતિ સામે આવશે તો કડક કાર્યવાહી થશે અને વર્ગ-4 ના કર્મચારીઓને સતત તૈનાત રહેવા સૂચના અપાઈ છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે.”
તંત્ર દ્વારા તપાસ કમિટી અને SOP ના નામે બચાવ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેટલાક અત્યંત ગંભીર અને વેધક સવાલો ઉભા થઈ રહ્યા છે: અત્યાર સુધી SOP કેમ નહોતી? શું આઝાદીના દાયકાઓ પછી પણ દર્દીને વોર્ડ સુધી સ્ટ્રેચર પર પહોંચાડવા માટે હોસ્પિટલ પાસે કોઈ ચોક્કસ નિયમાવલી નહોતી?
શું માનવતા માટે પણ SOP જોઈએ? સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈ લાચાર અને બીમાર દર્દીની મદદ કરવા માટે પણ સરકારી પરિપત્ર કે SOP ની રાહ જોવાની હોય છે? શું હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર લોકોમાં માનવતા નામની કોઈ વસ્તુ જ નથી બચી? શું કોઈ વડીલને જાતે સ્ટ્રેચર ખેંચતા જોઈને મદદ કરવા માટે પણ કોઈ નિયમ પુસ્તિકા વાંચવી પડે?
ખુલ્લી બેદરકારીમાં તપાસ કમિટી શા માટે? સરકાર પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સમાંથી ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સીઓને દર્દીઓની સેવા માટે ચૂકવે છે. જ્યારે આખો કિસ્સો વીડિયોમાં પુરાવા સાથે ખુલ્લેઆમ દેખાઈ રહ્યો છે કે સ્ટ્રેચર પાસે કોઈ અટેન્ડન્ટ નહોતું, તો પછી કમિટી રચીને મામલાને લાંબો ખેંચવા કે ભીનું સંકેલવાને બદલે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સ્ટાફ સામે તાત્કાલિક કડક દંડાત્મક પગલાં કેમ ન લેવાયા?
માત્ર કાગળ પર તપાસ સમિતિઓ રચવાથી કે નોટિસો પાઠવવાથી સરકારી હોસ્પિટલોની સંવેદનહીનતા દૂર નહીં થાય. જનતા હવે માંગ કરી રહી છે કે લૂલા બચાવ બંધ કરી ખાનગી એજન્સીઓ અને લાપરવાહ સ્ટાફ સામે દાખલારૂપ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે.