રાજકોટના મોટામવા પાસે એક બાઈકસવાર યુવક તણાઈ ગયો. ઘટના મોટામવા પાસેના બેઠા પુલ પરની છે. જ્યાંથી પસાર થતો એક યુવક બાઈક સાથે તણાવા લાગ્યો હતો. જોકે સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો. પરંતુ તેના બાઈકનો પત્તો લાગ્યો નથી. જયભીમનગરથી મોટામવા જવાના રસ્તે બેઠા પુલ પર કેડસમું પાણી ફરી વળ્યું હતું. મોટામવા ગામ જવા માટે આ એક જ પુલ છે. તે પણ ખૂબ બિસ્માર હોવાથી લોકો દર વર્ષે પરેશાન થાય છે.
આજે આ પુલ પરથી એક યુવક બાઇક સાથે પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ધસમસતા પ્રવાહમાં તે બાઇક સાથે તણાયો હતો. યુવકને તણાતો જોઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેને બચાવી લીધો હતો. જ્યારે બાઇકને બહાર કાઢવા માટે લોકોએ રેસ્કયૂ- ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ હજી સુધી બાઇક હાથ લાગ્યું નથી. આ બેઠાપુલ પર મોટો પુલ બનાવવા લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે છતાં વર્ષોથી આ પ્રશ્ન ઠેરનો ઠેર છે. યુવકે બાઇક ગુમ થયાની અરજી મોટામવા પોલીસ સ્ટેશનમાં કરી છે.
જિલ્લામાં લીલા દુકાળની સ્થિતિ સર્જાઇ
રાજકોટ જિલ્લા અને તાલુકામાં સતત વરસાદને પગલે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્રમાં દુષ્કાળ સ્થિતિ જેવી હાલત હતી. પરંતુ છેલ્લા દિવસોમાં અવિરત વરસાદે અહીં અતિવૃષ્ટિ જેવી હાલત કરી નાખી છે. જેતપુરના સરદારપૂર ગામના ખેડૂતોના ખેતરમાં 1 થી 2 ફૂટ સુધીના પાણી ભરાઈ ચુક્યા છે.. જેથી ખેડૂતોના વાવેલા મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું ધોવાણ થઇ ગયું છે. સતત વરસાદના લીધે જમીનમાંથી રેસ ફૂટી રહ્યાં છે. સરદારપૂરના 1 હજાર વીઘા જેટલા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થયું છે. ત્યારે ખેતરોના ધોવાણનો સર્વે કરીને તાત્કાલિક ડિઝાસ્ટર એક્ટ મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
Published On - 2:59 pm, Thu, 30 September 21