
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ભવ્ય ઉજવણી થઇ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના GCMMFના સહાકર સંમેલનમાં હાજરી આપી. આ કાર્યક્રમ દરમિયા 1 લાખથી વધુ ખેડૂત અને પશુ પાલકોની સ્ટેડિયમમાં હાજરી જોવા મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમમાં ખુલ્લી જીપમાં ચક્કર લગાવીને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યુ. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા.વડાપ્રધાનની હાજરીના પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ફેડરેશન દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી છે.
વડાપ્રધાને GCMMFના સહાકર સંમેલનને સંબોધતા કહ્યુ કે, આ યાત્રાને સફળ બનવવામાં પશુધનના ફાળાને પ્રણામ કરુ છુ. તેમના વિના ડેરી સેક્ટરની કલ્પના ન થઇ શકે. તેમણે જણાવ્યુ કે અમૂલ એટલે વિકાસ, વિશ્વાસ અને જન ભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા.
દુનિયાના 50થી વધુ દેશોમાં અમૂલની પ્રોડક્ટની નિકાસ થાય છે. 18 હજારથી વધુ દૂધ સહકારી મંડળી, 36 લાખ ખેડૂતોનું નેટવર્ક, રોજ સાડા ત્રણ કરોડ લીટરથી વધુ દૂધનું સંગ્રહણ , રોજ પશુપાલકોને 200 કરોડ રુપિયાથી વધુનું પેમેન્ટ કરવુ એ સરળ કામ નથી.તે જે રીતે કામ કરે છે એ જ સંગઠનની શક્તિ દર્શાવે છે.
Amulનો પાયો સરદાર વલ્લભભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડા મિલ્ક યુનિયનના રુપમાં નખાયો હતો.સમયની સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વધુને વધુ વ્યાપક બનતી ગઇ છે અને પછી ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બન્યુ.
વડાપ્રધાને કહ્યુ કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદનમાં 60 ટકાની વૃદ્ધિ થઇ છે.10 વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધતા પણ લગભગ 40 ટકા સુધી વધી છે. દુનિયામાં ડેરી સેક્ટર માત્ર 2 ટકાની દરથી આગળ વધી રહ્યુ છે, જ્યારે ભારતમાં ડેરી સેક્ટર 6 ટકાના દરથી આગળ વધી રહ્યુ છે.
ભારતમાં 10 લાખ કરોડ રુપિયાના ટર્ન ઓવરવાળા ડેરી સેક્ટરની મુખ્ય કર્તાધર્તા દેશની નારી શક્તિ છે.આપણી માતા, બહેન અને દીકરીઓ છે.આજે દેશમાં અનાજ, ઘઉ અને શેરડીને પણ ગણીએ તો પણ તેમનું ટર્ન ઓવર 10 લાખ કરોડ રુપિયાની નજીક નથી થતુ. જ્યારે 10 લાખ કરોડ રુપિયાના ટર્ન ઓવરવાળા સેક્ટરમાં કામ કરનારામાં 70 ટકા મહિલાઓ છે.ભારતના ડેરી સેક્ટરની કરોડરજ્જૂ મહિલા શક્તિ છે.
Published On - 11:21 am, Thu, 22 February 24