રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા ગૃહ રાજ્યપ્રધાને આપેલા આદેશ અંતર્ગત રાજ્યમાં ઠેર-ઠેર લોકદરબાર યોજીને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે વ્યાજખોરોના ત્રાસની વધુ એક ઘટના પોરબંદરમા સામે આવી છે. પોરબંદરના રહેવાસી દર્શન શાસ્ત્રીએ વ્યાજે લીધેલા 21 લાખ રુપિયા પેટે 17 ટકા વ્યાજ ચુકવ્યું હતું તેમ છતા પણ મુદ્દલ બાકી હોવાનું કહીને વ્યાજખોરે 52 લાખ રૂપિયાનો ચેક લખાવી લીધો હતો.
આ પણ વાંચો : Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન
વ્યાજખોરોએ દર્શન શાસ્ત્રી સામે ચેક રિટર્ન થવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી કંટાળીને દર્શન શાસ્ત્રીએ કમલાબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પીડિતની ફરિયાદના આધારે પોલીસે આરોપી પ્રેમશંકર જોશી અને તેમના પત્નીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક વ્યાજખોર રાજુ વાઘેલા ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદ અંતર્ગત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને વ્યાજ ખોર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ અગાઉ પણ રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા ગૃહ રાજ્યપ્રધાને આપેલા આદેશ અંતર્ગત ઠેર-ઠેર લોકદરબાર યોજીને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં એવું લાગતુ હતુ કે માથાભારે તત્વો જ વ્યાજખોરી કરતા હશે. પરંતુ હવે એવી હકીકત સામે આવી છે કે વ્યાજખોરીના આ દૂષણમાં ડૉક્ટરો, અધ્યાપકો અને વકીલો પણ સામેલ થયો હતો. આવા 228 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. લોકોને લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા હતા.
ગત 5 તારીખથી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પોલીસે 75થી વધુ લોકદરબાર યોજીને ગુના દાખલ કર્યા. જેમાં રાજકોટ શહેરમાં 79 વ્યાજખોરો સામે 43 ફરિયાદ, જામનગરમાં 69 આરોપી સામે 26 ફરિયાદ, પોરબંદરમાં 1 ફરિયાદ, જૂનાગઢમાં 39 આરોપી સામે 17 ફરિયાદ, મોરબીમાં 40 આરોપીઓ સામે 20 ફરિયાદ નોંધાઈ હતી.