
નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપામાં ચાલી રહેલા આંતરિક વિવાદનો આખરે ગાંધીનગરમાં સુખદ અંત આવ્યો છે. રાજપીપળા ખાતે યોજાયેલા ભાજપાના એક કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખના કથિત અપમાન બાદ શરૂ થયેલો વિવાદ હવે પ્રદેશ નેતૃત્વના હસ્તક્ષેપથી શમી ગયો છે.
આ સમગ્ર મામલો ભાજપાના પ્રદેશ કાર્યાલય ગાંધીનગર સુધી પહોંચતા બે દિવસ અગાઉ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. અહીં પ્રદેશ નેતૃત્વ સમક્ષ તમામ લોકોએ તેમનો પક્ષ જરૂરી પુરાવાઓ સાથે રજૂ કર્યો હતો.
મુલાકાત બાદ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય વિચારધારાવાળી અને પરિવારવાદી સંસ્થા છે, જ્યાં નાના-મોટા મતભેદો થતા હોય છે, પરંતુ વડીલો તેના ઉકેલ માટે માર્ગદર્શન આપે છે. તેમણે જણાવ્યું કે પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શનથી તમામ મતભેદો દૂર થયા છે અને હવે સૌ સાથે મળીને પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે કામ કરશે.
સાંસદે વધુમાં કહ્યું કે પાર્ટી મજબૂત હશે તો જ પ્રજાના વિકાસના કાર્યો અસરકારક રીતે થઈ શકશે. આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંતરિક વિખવાદને બાજુએ મૂકી સંગઠનને મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો છે. તેમણે સ્વીકાર્યું કે આંતરિક ઝઘડાથી પ્રજામાં ખોટો સંદેશ જાય છે અને કાર્યકરોનું પણ નુકસાન થાય છે.
નર્મદા જિલ્લો પછાત જિલ્લો હોવાથી તેના વિકાસ માટે તમામ આગેવાનો અને કાર્યકરો એકજૂટ થઈને કાર્ય કરે તે જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું. સોશિયલ મીડિયા પર વ્યક્તિગત સમર્થનમાં થતી પોસ્ટ્સ અને નિવેદનોને લઈને પણ સંયમ રાખવા અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં થયેલી આ બેઠક બાદ જિલ્લા ભાજપા પ્રમુખના રાજીનામાની માંગ, ધારાસભ્યના રાજીનામા મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ તેમજ ઉગ્ર આંદોલનની ધમકીઓ પણ પડતી મૂકવામાં આવી છે. પ્રદેશ નેતાઓના હસ્તક્ષેપથી નર્મદા ભાજપાના આંતરિક વિવાદનો અંત આવતા સંગઠનમાં ફરી એકતા અને સમન્વયનો સંદેશ ગયો છે.