PM Modiનું એરપોર્ટ પર આગમન, સીએમ-રાજયપાલે ભવ્ય સ્વાગત કર્યું
PM મોદીનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે. અને, અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલ દેવવ્રત આચાર્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગર-ભાજપ કાર્યાલય કમલમ સુધી રોડ-શૉ મારફતે પહોંચશે. આ રોડ-શૉ દરમિયાન ગુજરાત જુદા-જુદા સમાજના અગ્રણીઓ તેમનું સ્વાગત અને સન્માન કરશે. નોંધનીય છેકે કમલમમાં ભાજપના 430 આમંત્રિતોને ફક્ત ડિજિટલ કિયોસ્કથી જ એન્ટ્રી મળશે. કડક સુરક્ષાના કારણે આમંત્રિત ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો સિવાય કોઈને એન્ટ્રી નહીં મળે.
એરપોર્ટથી કમલમ સુધી મોદીનો ભવ્ય રોડ-શૉ, કેસરી ટોપીમાં સજ્જ કાર્યકરો ઉમટયાં
અમદાવાદ એરપોર્ટ પરથી PM મોદીનો મેગા રોડ શો શરૂ થઈ ચુક્યો છે અને 10 કિમી લાંબા રોડ શોમાં લાખો કાર્યકરોનું અભિવાદન ઝીલતા PM મોદીની તસવીરો હવે સામે આવવા લાગી છે કે જેમાં તેમનો ઉત્સાહ સભર તેમજ માદરે વતનમાં આવ્યાનો ઉત્સાહ જ કઈ અલગ જોવા મળતો હતો.એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભારત નાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવા માટેનો થનગનાટ જોવા મળ્યો છે.
સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે
સાંજે 6 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ , પી.કે. લહેરી, હર્ષવર્ધન નીવેટીયા અને પ્રો. જે. ડી. પરમાર સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતાં તેમની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી માત્ર વર્ચ્યુઅલ બેઠક યોજાતી હતી. પરંતુ આજે ગાંધીનગર ખાતે PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળશે. જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરીની આખરી મહોર મારવામાં આવે તેવી શક્યતા પણ છે. તો આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરવાની શક્યતા રહેલી છે. તેમજ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર રૂપ નવનિર્મિત કામોને પણ ચોક્કસ મંજૂરી મળી શકે છે.
RSSની અખિલ ભારતીય પ્રતિનિધ સભાની બેઠકમાં હાજરી આપશે ?
અમદાવાદ ખાતે RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાશે. પીરાણા આશ્રમ ખાતે આજથી 13 માર્ચ એમ ત્રિદિવસીય સભાનું (three-day meeting)આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSSના સર સંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat)સહિત દત્તાત્રેય હૉસબોલે અને અખિલ ભારતીય કાર્યકારિણી મંડળ હાજર રહેશે. 5 રાજ્યની ચૂંટણીના પરિણામ બાદ અમદાવાદના પીરાણા આશ્રમમાં આ બેઠક યોજાવાની હોવાથી તેને મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામ પર ચર્ચા થઈ શકે છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે છે. ત્યારે પીએમ મોદી પણ આ બેઠકમાં સંઘ પ્રમુખ સાથે મુલાકાત કરે તેવી સંભાવના સેવાઇ રહી છે.
અમિત શાહ પણ ગુજરાત મુલાકાતે આવશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજ સાંજથી ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે. જ્યાંથી તેઓ રાજભવન જશે. સાંજે 6 કલાકે રાજભવનમાં મળનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ આવતીકાલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના લોકાર્પણ અને પદવીદાન સમારોહમાં હાજર રહેશે. આવતીકાલે તેઓ કોચરબ આશ્રમની મુલાકાત લેશે. કોચરબ આશ્રમથી તેઓ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવશે. તેઓ કાલે રાત્રે જ દિલ્લી જવા રવાના થશે.
જીએમડીસી ગ્રાઉન્ડમાં સરપંચ સંમેલન અને ખેલ મહાકુંભમાં હાજરી આપશે
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં સરપંચ સંમેલન અને 12 માર્ચના રોજ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભના હાજરી આપવાના છે. જેના પલગે શહેર ટ્રાફિફ પોલીસે ટ્રાફિક રુટમાં બદલાવ કર્યો છે. આ ટ્રાફિક વ્યવસ્થાને લઇને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 12:27 pm, Fri, 11 March 22