
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટોમાં થયેલા વિલંબને કારણે મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. ખાસ કરીને અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ મોડી પડતા મુસાફરો રોષે ભરાયા હતા. મુસાફરોનો મુખ્ય આક્ષેપ હતો કે તેમને ફ્લાઇટ વિલંબ અંગે કોઈ સ્પષ્ટ અથવા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે તેમની હાલાકી વધી હતી અને તેઓ અકળાઈ ઉઠ્યા હતા.
છેલ્લા કેટલાક કલાકોથી દેશભરમાં હવાઈ સેવા પ્રભાવિત થઈ છે, અને તેની અસર અમદાવાદ એરપોર્ટ પર પણ સ્પષ્ટપણે જોવા મળી હતી. ઇન્ડિગો (ઇન્ડિગો સિક્સ-ઈ)ની અમદાવાદ-દિલ્હી, અમદાવાદ-મુંબઈ, અમદાવાદ-હૈદરાબાદ અને અમદાવાદ-બેંગ્લોર સહિતની અનેક ફ્લાઇટોમાં ટેક્નિકલ અને ઓપરેશનલ કારણોસર વિલંબ થયો હતો. આ વિલંબને કારણે મોટી સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. તેમને કોઈપણ પ્રકારનો યોગ્ય પ્રતિસાદ ન મળતા તેઓ નારાજ થયા અને આખરે ઇન્ડિગોના સ્ટાફ સાથે વાટાઘાટો શરૂ કરી. જોકે, આ વાટાઘાટોમાંથી પણ કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતા મુસાફરો ઉશ્કેરાયા હતા અને એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો.
આ ઘટના અંગે ઇન્ડિગો તરફથી ખુલાસો આપવામાં આવ્યો છે કે ઓપરેશન્સને ફરીથી સામાન્ય સ્થિતિમાં આવતા આશરે 48 કલાક જેટલો સમય લાગી શકે છે. જોકે, સતત થઈ રહેલા ફ્લાઇટ વિલંબ અને તેના કારણે મુસાફરોને પડી રહેલી હાલાકીને લીધે દેશભરના એરપોર્ટ પર આ પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર પણ દિલ્હી જતી ફ્લાઇટના વિલંબને કારણે મુસાફરોની નારાજગી ચરમસીમા પર પહોંચી હતી અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Published On - 2:56 pm, Thu, 4 December 25