
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી માથા ઉપર છે તેવા સમયે જ રાજકોટ ભાજપમાં ભડકો થયો છે. રાજકોટ ભાજપના પ્રમુખે, બધાને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાથી છેટુ રાખવાનો આદેશ આપ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં યોજાતા કાર્યક્રમોમાંથી રામ મોકરિયાનુ પત્તુ કાપવામાં આવયુ હોવાનું કહેવાય છે.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સૌ કોઈને મ્હોં ઉપર જ બેધડકપણે સાચે સાચુ અને ખોટે ખોટુ કહી દેવા માટે જાણીતા છે. જો કે રાજકારણમાં આ ગુણને અવગુણ તરીકે જોવામાં આવે છે. રાજકારણના આ અવગુણને કારણે, રાજકોટ ભાજપે રામ મોકરિયાથી અંતર જાળવી રાખ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં રામ મોકરિયાને બોલાવાતા નથી. આટલું જ નહીં, રાજકોટ શહેર ભાજપ દ્વારા યોજાતા કાર્યક્રમોમાંથી પણ રામ મોકરિયાને પડતા મુકાયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
ભાજપના આતંરિક સૂત્રોના જણાવ્યાનુસાર, શહેર ભાજપ પ્રમુખે જ રામ મોકરિયાને જાહેર કાર્યક્રમોમાં ના બોલાવવા તેમજ પાર્ટીના કાર્યક્ર્મમાં પણ આમંત્રણ ના આપવા માટે કહેવાયુ હોવાનું કહે છે. એક તરફ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી કે વરણી થઈ શકી નથી. આવા સમયે ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ ચંદ્રકાતભાઈ પાટીલ હાલમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલુ હોવાથી દિલ્હીમાં રહે છે. તેથી ગુજરાત ભાજપમાં ક્યાં, કેવી યાદવાસ્થળી ચાલી રહી છે, તેનો રિપોર્ટ લઈ શકયા નથી. તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ ક્ષેત્રના ભ્રષ્ટાચારી અધિકારીઓ પરથી પરદો ઉઠાવ્યો હતો.
આ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરને પુછવામાં આવતા તેમણે ગોળગોળ જવાબ આપીને આખા બનાવ ઉપર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ અમારો પરિવાર છે. પરિવારમાં ક્યાય કોઈ ખટરાગ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો