
ગુજરાતમાં સામાન્ય રીતે એક ગામ ખાસ કરીને ઉત્તર ગુજરાતમા ખૂબ જાણીતુ છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતા લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતમાં, મહેસાણા જિલ્લાના ચાંદણકી ગામનો અને તેની મહિમાનો ઉલ્લેખ કર્યો ત્યાર બાદ આ ગામ ફરી એકવાર સમગ્ર ગુજરાતની સાથે સાથે દેશભરમાં લોક મુખે ચર્ચામાં આવ્યું છે.
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામા આવેલ ચાંદણકી ગામમાં ઓછામાં ઓછા 15 વર્ષથી એક અનોખી પરંપરા ચાલી આવી છે. આ ગામના તમામ લોકો માત્ર એક જ રસોડે ભોજન લે છે. અહીંના લોકો, ખાસ કરીને વડીલો, તેમના ઘરે રસોઈ બનાવતા નથી, પરંતુ ગામના કોમ્યુનિટી હોલના રસોડમાં તૈયાર થતું ભોજન સૌ સાથે બેસીને પ્રેમથી આરોગે છે. જો કોઈ ગામની વ્યક્તિ બીમાર હોય અને રસોડે ના આવી શકે તો તેમના માટે ટિફિન સેવા એટલે કે હોમ ડિલિવરીની પણ સુવિધા ગામના લોકોએ ઉપલબ્ધ કરાવેલ છે.
ચાંદણકી ગામની સામૂહિક ભોજન પ્રથા માત્ર ગામના લોકોને જ નહીં, પરંતુ પારિવારિક ભાવનાને પણ મજબૂત બનાવે છે. મન કી બાત કાર્યક્રમમાં ચાંદણકી ગામની આ સેવાકીય પ્રવૃતિનો ઉલ્લેખ કરવા બદલે, ચાંદણકી ગામના સરપંચ પૂનમભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો અને ગામની એકતાની આ પરંપરા અવિરત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
જો કે, આ ગામની વધુ એક વિશિષ્ટતા એ છે કે અહીં મોટાભાગે વૃદ્ધો જ જોવા મળે છે. ગામમાં પ્રવેશ કરતા જ ગામના ચોરાથી માંડીને મહોલ્લાઓ સુધી માત્ર વૃદ્ધો જ જોવા મળે છે. આશરે 50 થી 60 જેટલા, 80 વર્ષ સુધીના વૃદ્ધો અહીં નિવાસ કરે છે. તેમના બાળકો અને પૌત્ર-પૌત્રીઓ નોકરી-ધંધા અર્થે વિદેશોમાં, અથવા તો મોટા શહેરો અમદાવાદ કે અન્ય શહેરોમાં સ્થાયી થયા છે. આ વૃદ્ધો એકલા ના પડી જાય અને તેમને કોઈ તકલીફ ના પડે તે હેતુથી, 15 વર્ષ પહેલા આ વૃદ્ધોએ જ આ સામૂહિક ભોજનની વ્યવસ્થા શરૂ કરી હતી.
ગામમાં એક બેલ વાગે ત્યારે બધા વૃદ્ધો કોમ્યુનિટી હોલના રસોડે પહોંચી જાય છે અને પૌષ્ટિક ભોજનનો આનંદ માણે છે. આ પ્રથાને કારણે ગામના કોઈ પણ વૃદ્ધને ઘરડાઘરમાં જવાની કે ત્યાં જવાની કોઈ જ જરૂર પડી નથી. રજાઓ દરમિયાન તેમના પરિવારજનો અને બાળકો પણ વિદેશથી તેમને મળવા આવતા હોય છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો