
નવસારી જિલ્લામાં ભાજપના જિલ્લા મહામંત્રી જીગ્નેશ નાયક સામે મહિલા સાથેના લફડાબાજી અને અનૈતિક પ્રવૃત્તિના ગંભીર આરોપો સામે આવ્યા બાદ જિલ્લા ભાજપે કડક કાર્યવાહી કરી છે. શિસ્તભંગના પગલાના ભાગરૂપે જિલ્લા ભાજપ દ્વારા જીગ્નેશ નાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે ભાજપને સામાજિક રીતે નીચું જોવાનું પડ્યું હોવાનું પક્ષના સૂત્રો જણાવે છે.
પ્રકરણ સામે આવ્યા બાદ જિલ્લા ભાજપે પ્રાથમિક રીતે જીગ્નેશ નાયકને રાજીનામું આપવા જણાવ્યું હતું, પરંતુ રાજીનામું ન આપતા અંતે તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જિલ્લા ભાજપ હાલ આ મુદ્દે આક્રમક મૂડમાં છે અને શિસ્ત તથા નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે.
મળતી માહિતી મુજબ, જીગ્નેશ નાયક પર એક પરણિત મહિલા સાથે પ્રેમપ્રકરણ હોવાના આરોપો લાગ્યા છે. આ મામલે મહિલાના પતિએ જીગ્નેશ નાયકને કાયદેસર નોટિસ ફટકારી છે. નોટિસમાં ત્રણ કરોડ રૂપિયાનો બદનક્ષી દાવો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે જીગ્નેશ નાયક અને મહિલા મિત્ર વચ્ચે થયેલી ચેટ તથા મેસેજીસ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વાયરલ થયેલા મેસેજીસ બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.
મહત્વનું છે કે આરોપ મુજબ, ભાજપના જિલ્લા મહામંત્રીને તેમની પરણિત મહિલા મિત્ર સાથે કારમાં રંગેહાથ પકડવામાં આવ્યા હતા. આ ઘટનાના બાદ મહિલાના પતિએ જાહેર સ્થળે જીગ્નેશ નાયક સાથે હાથાપાઈ કરી હોવાની પણ ચર્ચા છે. સમગ્ર મામલે મહિલાના પતિએ પોતાની પત્ની સામે છૂટાછેડાનો કેસ પણ દાખલ કર્યો છે.
આ તમામ ઘટનાક્રમ બાદ જિલ્લા ભાજપે જીગ્નેશ નાયકને જિલ્લા મહામંત્રી પદેથી સસ્પેન્ડ કરી દીધા છે. હાલ જીગ્નેશ નાયકના પ્રેમપ્રકરણનો મુદ્દો નવસારી સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને ભાજપની છબી પર તેની અસર પડી હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.
નવસારીમાં 20 કલાકમાં ત્રણ દીપડા પાંજરે પુરાયા, વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો..
Published On - 7:44 pm, Mon, 29 December 25