
બદલાતા હવામાન અને દિવસેને દિવસે ખેતીમાં વધી રહેલી મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતો માટે નવું અને ઉપયોગી સંશોધન સમયની માંગ બની ગયું છે. આવા સંજોગોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખેતી સંશોધનમાં નવી દિશા આપી રહી છે. ખેતરની વાસ્તવિક સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને અહીં થતું સંશોધન સીધું ખેડૂતો સુધી પહોંચે તેવા પરિણામો આપી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સંશોધનનું મહત્વ સતત વધી રહ્યું છે. ચાલુ વર્ષે કુલ 42 વિદ્યાર્થીઓએ પીએચડી માટે નોંધણી કરાવી છે. ફોરેસ્ટ્રી, એગ્રી બિઝનેસ, ખેતી વિજ્ઞાન સહિતના વિવિધ વિભાગોમાં ઊંડાણપૂર્વક સંશોધન કાર્ય ચાલી રહ્યું છે. આ સંશોધન માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતું સીમિત નથી, પરંતુ ખેડૂતોને પડતી જમીન, પાક, ઉત્પાદન અને બજાર સંબંધિત સમસ્યાઓના ઉકેલ પર કેન્દ્રિત છે.
વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયાની ફેલોશિપ અને દર વર્ષે 20,000 રૂપિયાની વધારાની સહાય આપવામાં આવી રહી છે. સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી પણ આર્થિક સહાય મળતી હોવાથી યુવાનોમાં સંશોધન પ્રત્યેનો ઉત્સાહ વધતો જાય છે. આર્થિક સુરક્ષા મળતાં વિદ્યાર્થીઓ નિઃશંકપણે ખેતી ક્ષેત્રની વાસ્તવિક પડકારો પર કામ કરી રહ્યા છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીના IC વાઇસ ચાન્સેલર ટી. આર. અહલાવત મુજબ, ખેતરની સમસ્યાઓનો ઉકેલ શોધવા ગુજરાતની અગ્રણી કૃષિ યુનિવર્સિટી તરીકે નવસારી આજે સંશોધકોનું કેન્દ્ર બની છે. ખેતી, ફોરેસ્ટ્રી અને એગ્રી બિઝનેસ જેવા વિષયો પર કાર્યરત 42 પીએચડી વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની ફેલોશિપથી આત્મવિશ્વાસ સાથે સંશોધન કરી રહ્યા છે. આ સંશોધન માત્ર ડિગ્રી મેળવવા માટે નહીં, પરંતુ ખેડૂતના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પીએચડી સંશોધનમાં સતત વધારો થઈ રહ્યો છે. અન્ય રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં સંશોધન માટે આવી રહ્યા છે, જે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને સંશોધન ક્ષમતાને દર્શાવે છે. સરકારની માસિક ફેલોશિપ અને રાજ્ય સરકારની સહાય વિદ્યાર્થીઓ માટે મજબૂત આધાર પૂરું પાડે છે, જેના પરિણામે ખેતી ક્ષેત્રને ભવિષ્યમાં વધુ આધુનિક અને ટકાઉ ઉકેલો મળશે.