
નવસારી શહેરમાં સવારથી સાંજે ચાર વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ ખાબકવાને કારણે શહેર પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદના પગલે શહેરના લગભગ 50 ટકા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી જનજીવન પર વ્યાપક અસર પડી છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, પરિણામે લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. નવસારી અને ગણદેવીને જોડતો સ્ટેટ હાઇવે પણ પાણીમાં ગરકાવ થતાં તેને બંધ કરવાની ફરજ પડી છે.
શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. જુનાથાણા વિસ્તાર, જે નવસારી શહેરનો મુખ્ય અને હાઇવેને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે, ત્યાં પણ ભારે પાણી ભરાયા છે. આ ઉપરાંત, સ્વામી વિવેકાનંદ સર્કલ આસપાસ દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. દશેરા ટેકરી, લુન્સીકુઈ વિસ્તાર, શાંતાદેવી રોડ અને બંદર રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં શહેરી જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં તેમને મોટું નુકસાન થયું છે અને વેપાર-ધંધા પર માઠી અસર પડી છે.
આ ભારે વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પૂર્ણા નદી હાલ 17 ફૂટની સપાટીએ પહોંચી ચૂકી છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. નદીની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે નવસારી જિલ્લામાં SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
વરસાદની આ સ્થિતિમાં નવસારી નગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમની નબળી કામગીરી પણ સ્પષ્ટપણે બહાર આવી છે. શાંતાદેવી રોડ વિસ્તારમાં રૂબી કોમ્પલેક્સ બહાર ડ્રેનેજ ઉભરાઈ હતી, જેના કારણે ગટરનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું. ગટરની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે આ વિસ્તારની હાલત ગંભીર બની હતી.
વિજલપુરથી આવતા પાણી પણ આ સમસ્યામાં વધારો કરી રહ્યા છે. મુખ્ય માર્ગો પર બે થી અઢી ફૂટ સુધીના પાણી નદીની જેમ વહેતા જોવા મળી રહ્યા છે, જેનાથી વાહન વ્યવહાર અને લોકોની અવરજવર બંને પ્રભાવિત થયા છે. સમગ્ર શહેરના 15થી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં નવસારીની હાલત ચિથરેહાલ બની ગઈ છે.
શાળાઓ બંધ, ઠેર ઠેર પાણી, તંત્ર આવી રીતે રાખી રહ્યું છે સ્થિતિ પર નજર
Published On - 6:18 pm, Tue, 7 July 26