સોનામાં રોકાણ કરીને લોકો સુરક્ષિત રોકાણનો અનુભવ કરતા હોય છે. ત્યારે સોનાની કીમતી વસ્તુના એક એક કણને શોધવા માટે નવસારીની એક છત્તીસગઢની આદિવાસી કોમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભ્રમણ કરે છે અને પોતાની સોના પારખું દૃષ્ટિને કારણે ધૂળમાંથી પણ સોનાના રજકણો શોધી કાઢે છે.
નવસારી શહેરના સિંધી કેમ્પ વિસ્તારમાં ત્રણ પેઢીથી વસવાટ કરતા છત્તીસગઢના આદિવાસી જ્ઞાતિના 100 જેટલા પરિવારો દક્ષિણ ગુજરાતના સોની અને સોનાના ઘરેણા બનાવતા જ્વેલર્સના આજુબાજુ માં ફરીને ધૂળમાંથી સોનાના રજકણો ભેગા કરીને ભઠ્ઠીમાં નિસ્યંદનની પ્રક્રિયાથી સોનુ અને ચાંદી છૂટું પાડીને ત્રણ પેઢીઓથી ગુજરાન ચલાવે છે.
પોતાની આદિવાસી પરંપારિક વેશભૂષામાં માથે માટીની તાવડી, બ્રશ, ટબલર અને માટી ભરવા માટે સુપડી લઈને ગણતરીના જેટલા પરિવારોમાંથી 7 થી 70 લોકો રોજ ગ્રુપ બનાવીને દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરી વિસ્તારોમાં જ્યાં સોની ઘરેણા બનાવવાનું કામ કરે છે અથવા તો જ્વેલર્સની દુકાનો આવી છે એવા વિસ્તારોમાં ફરે છે અને જ્વેલર્સ તથા ઘરેણા બનાવનાર કારીગરોના વિસ્તારોમાં અથવા તો ઘરેણા બનાવતા કંપનીની આજુબાજુ માંથી ધૂળ ભેગી કરે છે અને પોતાના ઘરે લાવીને સમગ્ર જાતિના લોકો નિસ્યંદનની પ્રક્રિયામાં જોડાઈ છે.
આ ભેગી કરેલી ધૂળ માંથી નીકળતું સોનું અને ચાંદી છૂટું પડે છે. સમગ્ર જાતિના લોકોએ એક જ જગ્યાએ ધૂળ માંથી સોનુ અને ચાંદી છૂટું પાડવા માટેની ભઠ્ઠી બનાવી છે જેમાં બધા ભેગા થઈને ભઠ્ઠીમાં ધૂળને ઓગાળે છે વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને છેલ્લે સોનાના રજકણો છૂટા પાડે છે અને બજારમાં વેચી ગુજરાન ચલાવે છે.
છત્તીસગઢ તથા આજુબાજુના વિસ્તારોમાંથી રોજગારી મેળવવા આવેલા આદિવાસી પરિવારો ત્રણ પેઢીથી નવસારીમાં રહે છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી ફરીને સોનુ અને ચાંદી ભેગું કરે છે તેમની વેશભૂષા અને પરિવેશ આજે પણ તેમણે ત્રણ પેઢીઓથી જાળવી રાખ્યો છે.
21 મી સદીના આધુનિક યુગમાં તમામ લોકોને શિક્ષણ મળે તેવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ આ પરિવારો પાસે પૂરતા પુરાવા ન હોવાના કારણે આજે પણ શિક્ષણ મેળવી શકતા નથી અથવા તો મળવાપાત્ર લાભો મેળવી શકતા નથી. 100 પરિવારોમાં 10 જેટલા બાળકો ભણતા હતા એ પણ વચ્ચેથી ભણતર છોડીને પોતાના પારંપરિક સોનુ શોધવાના ધંધામાં જોડાઈ ગયા છે.
ત્રણ પેઢીઓ થી નવસારી શહેરના સિંધી કેમ્પ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો એક અલગ જ પરિવેશ માં વસવાટ કરી રહ્યા છે નવસારી શહેરના વિકસતા જતા આધુનિક જમાનામાં પણ તેઓ આજે પણ શિક્ષણ રોજગારી અને સરકાર તરફથી મળવાપાત્ર સુવિધાઓ ના અભાવથી પીડાય રહ્યા છે સોનુ શોધવાનું કામ કરતા પરિવારોના અગ્રણી એવા શ્યામભાઈ અને મધુભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા પરિવારોમાંથી કોઈ ભણતું નથી અને ભણે છે એ પણ વચ્ચેથી ભણતર છોડવા માટે મજબૂર બની જાય છે પહેલા સારી એવી માત્રામાં સોનુ અને ચાંદી મળી રહેતું હતું પરંતુ હવે માત્ર ગુજરાત ચલાવવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે..
ત્રણ પેઢી થી ધુળ માંથી સોનુ ચાંદી શોધવાના પારંપરિક વ્યવસાય સાથે સંકળાયેલા આદિવાસી પરિવારોએ સુરત બારડોલી નવસારી બીલીમોરા વલસાડ જેવા મહત્વના જ્વેલર્સના દુકાનોથી માંડીને એ દુકાનોનું પાણી કઈ ગટરમાં જાય છે એની પણ સચોટ માહિતી તેમની પાસે મૌજુદ છે જેના વડે તેઓ સોનાના કણો શોધવામાં સફળ થાય છે. નવસારી શહેરના સો વર્ષ જુના જ્વેલર્સના હિમાંશુભાઈ ચોકસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી આ પરિવાર સોનુ શોધવા માટે અમારા મોટા બજાર વિસ્તારમાં કાયમ આવે છે અને પોતાની રીતે સોનુ શોધવાની કામગીરી કરે છે.
ત્રણ પેઢીથી નવસારીમાં વસવાટ કરતા છત્તીસગઢના આ આદિવાસી પરિવારો પોતાની પારંપારિક વેશભૂષા ને આજે પણ ટકાવી રાખી છે વર્ષો પહેલા પાંચ જેટલા પરિવારો નવસારીમાં વસવાટ કરવા માટે આવ્યા હતા અને રોજગારી મેળવી રહ્યા હતા પરંતુ હવે આ પરિવારનો વંશવેલો આગળ વધીને 100 પરિવારો થઈ ગયા છે કોઈપણ સુખ દુઃખના પ્રસંગોમાં સાથે મળીને રહે છે અને એકબીજાને મદદરૂપ થઈને પારિવારિક ભાવનાથી જીવવાનું આજે પણ પસંદ કરી રહ્યા છે.
જ્વેલરી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો ને જ્વેલરી બનાવતી કંપનીઓ વેક્યુમ દ્વારા તેમના સમગ્ર શરીર પરથી સોનાના કણો ખેંચી લેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી જ્વેલર્સ અને ઘરેણા બનાવતા ઉત્પાદકોને વિકસાવેલી ટેકનોલોજીના કારણે સોનુ અને ચાંદી શોધવાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોને કીમતી ધાતુઓ મળવી મુશ્કેલ બની રહી છે. ત્યારે આ પરિવારો નવસારી નગરપાલિકા પાસે અને વહીવટી તંત્ર પાસે અન્ય કોઈ ધંધા રોજગાર મળી રહે તેમ જ બાળકોને શિક્ષણની સુવિધાઓ મળી રહે સરકારની મળવાપાત્ર યોજનાઓના લાભ મળે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)
Published On - 6:09 pm, Mon, 16 October 23