
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટેકઓફ બાદ માત્ર પાંચ મિનિટમાં વિમાન ક્રેશ થતાં આખા દેશમાં શોકની લહેર ફરી વળી છે. કુલ 242 મુસાફરો સવાર આ વિમાન અમદાવાદમાં બિલ્ડિંગ પર પડી ગયું હતું, જેના કારણે અનેક લોકોને ઇજાઓ પહોંચી છે.
આ દુર્ઘટનામાં નવસારીનો એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માતના સમયે તે જમીને નીકળતો હતો ત્યારે વિમાન અચાનક બિલ્ડિંગ પર આવી પડ્યું. એવિએશન ફ્યુઅલના ઉડવાથી તેનો પગ બળી ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘાયલ યુવક હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાન BJ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તબીબોની ટીમ તેની સતત દેખરેખ રાખી રહી છે.
અહિયાં નોંધનીય છે કે દુર્ઘટનાની અસરથી અનેક પરિવારો તેમના નિકટના વ્યક્તિઓની શોધમાં હોસ્પિટલના બહાર રાહ જોઈ રહ્યા છે. ઘટનાને પગલે એરપોર્ટ અને આરોગ્ય તંત્ર સતર્ક બન્યા છે અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે.
એર ઈન્ડિયાના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. 242 લોકોમાંથી એક બચી ગયો હોવાની પુષ્ટિ થઈ છે. મુસાફરનું નામ વિશ્વાસ કુમાર છે.
મુસાફર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે જ સમયે, એર ઈન્ડિયાએ વધુ માહિતી આપવા માટે એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર – 1800 5691 444 પણ જારી કર્યો છે. લોકો આ પર કૉલ કરી શકે છે અને મુસાફરો વિશે માહિતી મેળવી શકે છે.
Published On - 11:32 pm, Thu, 12 June 25