મોરબી (Morbi) જિલ્લામાં ભાજપ માટે જુથવાદ માથાના દુખાવા સમાન બન્યો છે. વાંકાનેર ખાતે જીતુ સોમાણીનું નામ લીધા વિના રાજકોટના સાસંદ મોહન કુંડારિયાએ કટાક્ષ કર્યો હતો આજે વાંકાનેરના ધારાસભ્ય (MLA) જીતુ સોમાણીએ તેનો વળતો જવાબ આપ્યો હતો. TV9 સાથેની ખાસ વાતચીતમાં જીતુ સોમાણીએ તેના અને મોહન કુંડારિયા વચ્ચેના ગજગ્રાહ વિશે ખુલીને ચર્ચા કરી હતી. જીતુ સોમાણીએ મોહન કુંડારિયાના ગાડા નીચે ચાલતો શ્વાન પોતે ગાડુ ઢસડી રહ્યો છે. તેવા નિવેદન પર જવાબ આપ્યો હતો કે મોહન કુંડારિયાએ કોઇનું નામ લીધું નથી. તેને જે વ્યક્તિને ટાંકીને કહેવું હોય તેનું નામ બોલવું જોઇએ. મોહન કુંડારિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેની હવે ઉંમર થઇ ગઇ છે અને એટલા માટે તેઓ બાળકની જેમ બફાટ કરે છે.
જીતુ સોમાણીએ વધુમાં કહ્યું હતું કે મોહન કુંડારિયા પક્ષને નુકસાન કરી રહ્યા છે.વાંકાનેરમાં જુથવાદ ઉભો કરવામાં તેનો સિંહફાળો છે અને તેના ધંધા તમામ લોકો સારી રીતે જાણે છે. આ અંગે મારે પક્ષમાં જે કક્ષાએ રજૂઆત કરવાની છે તે સ્થળે મેં રજૂઆત કરી છે. ગૌરવ યાત્રા વખતે પણ મોહન કુંડારિયાએ પક્ષથી વિરુદ્ધ જઇને રૂટમાં ફેરફાર કર્યો હતો અને એટલા માટે કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા અને તેમની વિરુદ્ધ નારા લાગ્યા હતા.
જીતુ સોમાણીએ એક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે 2024 પછી સાંસદ નહિ રહે. આ નિવેદન અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સંગઠનની ફાળવણીમાં મારા તાલુકાના પ્રભુત્વ આપવામાં આવ્યું ન હતું. જેથી મેં મારા કાર્યકર્તાઓને કહ્યું હતું કે 2024 પછી સંગઠનમાં ફેરફાર થશે. જો કે ચર્ચા એવી છે કે જિલ્લામાં પ્રભુત્વ માટે મોહન કુંડારિયા 2024 પછી સાંસદ નહિ રહે અને તેનું જુથ મજબુત થશે. તેવો દાવો કર્યો હતો. જો કે આજે પણ તેને કહ્યું હતું કે ઉંમરના કારણે તેઓને ટિકિટ મળે તેવું લાગતું નથી.
આ પણ વાંચો : Breaking News: રાજકોટના જ્વેલર્સને ત્યાં IT વિભાગનો સપાટો, 1300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં ન જવા અંગે કારણ બતાવતા કહ્યું હતું કે હું જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે કેસરીદેવસિંહ ઝાલા મારા વિજય સરધસ અને સન્માન સમારોહમાં હાજર રહ્યા ન હતા અને તેના કારણે હું પણ તેના આ કાર્યક્રમમાં હાજર રહ્યો ન હતો. મહત્વનું છે કે વાંકાનેર વિધાનસભા બેઠક પર જીતુ સોમાણી અને કેસરીદેવસિંહ ઝાલા વચ્ચે કોલ્ડવોર ચાલે છે અને કેસરીદેવસિંહ ઝાલા મોહન કુંડારિયા જુથના છે. વિધાનસભાની ચૂંટણીમાં કેસરીદેવસિંહ ઝાલાને ટિકીટ નહિ મળતા નારાજગી પણ વ્યક્ત કરી હતી. જો કે હવે બંન્ને સરકારના પ્રતિનિધી હોવાને કારણે આ ગજગ્રાહ વધુ ઘેરો બને તેવી શક્યતા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો