છોટાઉદેપુરના નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી પી.સી.બરંડાએ સ્ટેજ પરથી કરેલા સંબોધનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંત્રી પી.સી. બરંડા જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકીને વાત કરતા નજરે પડે છે અને પૂર્વ ધારાસભ્યને સંબોધન કરીને કહે છે કે હું જ્યારે 2015માં DSP તરીકે આવ્યો ત્યારે દાદા મારી પાસે આવીને ફરિયાદ કરતા. સંકલનમાં કહેતા કે દારૂને બધું ચાલે છે. ત્યારે હું કહેતો એ તો ચલાવવું પડે. મારો આદિવાસી તો દારૂ જ પીવેને… થોડુઘણુ ચલાવવુ પડે.
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મંત્રી બરંડા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.
આ તરફ 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમીત્તે નેત્રંગમાં યોજાયેલી ચૈતર વસાવાની જનસભા પર સાંસદ ધવલ પટેલે નિશાન સાધ્યુ કે ચૈતર અને અનંત પટેલ અરાજક્તા ફેલાવે છે અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. આદિવાસી સમાજ હિંસા પર ઉતરે તેવા ચૈતર અને અનંતના પ્રયાસો હાથ ધરાયા છે. આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય.
તો સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે. નેત્રંગની સભામાં જનમેદની જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયુ છે. ભાજપના 30 વર્ષના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય થયો છે. આદિવાસીઓ ફક્ત પોતાના અધિકારો માગી રહ્યા છે.