મહેસાણામાં RTOની મંજૂરી વિના કચરો ભેગો કરતા નગરપાલિકાના મધ્યપ્રદેશ પાસિંગના 5 ટ્રેક્ટરો સામે કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે. વિપક્ષ નેતાએ પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરી છે. પાલિકાનો કચરો એકત્રિત કરવામાં વપરાતા ટ્રેકટર ટ્રોલીમાં RTOના નિયમોનો ભંગ થતો હોવાનો આક્ષેપ કર્યો છે.
વિપક્ષ નેતા કમલેશ સુતરીયાનો આક્ષેપ છે કે ગત વર્ષે પાલિકાની એજન્સીના મધ્યપ્રદેશ પાસિંગના 5 ટ્રેકટરનો આજીવન કર, દંડ અને વ્યાજ મળી 1.24 લાખ દંડ વસૂલ કરાયો હતો. છતાં ફરી કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટર પાલિકા વિસ્તાર સિવાય ગ્રામ્ય વિસ્તારની હોટલોમાંથી પણ કચરો એકઠો કરે છે. જેથી પાલિકાને વધુ પડતો આર્થિક બોજ સહન કરવો પડે છે.
ગુજરાત કામદાર સહકારી મંડળીએ મધ્યપ્રદેશ પાસિંગના ટ્રેક્ટરોનું બિલ પાસ કરાવી પાલિકા સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી એજન્સીને કોઇ બિલ નહીં ચૂકવવા અને કરેલું ચૂકવણું રિકવર કરવા માગ કરી છે.
તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે વિપક્ષના આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે મધ્યપ્રદેશના ટ્રેકટર મુદ્દે દંડ ફટકારાયો છે. હાલ ગુજરાત પાસિંગના ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી.
આ અગાઉ કચ્છ જિલ્લાના ભૂજની નાગોર ડમ્પિંગ સાઈટનો કચરો લોકો માટે પરેશાનીનું કારણ બન્યું હતું. પાલિકાએ બે વર્ષ પહેલા લાખોના ખર્ચે કચરાના નિકાલ માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. કચરામાંથી ખાતર અને બાંધકામની પડતર સામગ્રીમાંથી પેવર બ્લોક બનાવવાના મોટા દાવા થયા હતા. પરંતુ બે વર્ષ બાદ પણ કોઈ કામ શરૂ થયું ન હતું. નાગરો ડમ્પિંગ સાઈટનો કચરો વધીને રસ્તા પર આવતો હોવાથી જતા-આવતા લોકો ગંદકી અને દુર્ગંધથી ત્રાસી જતા હતાં.