ગુજરાતના વિકાસના નામે મત માગતા નફ્ફટ નેતાઓએ પહેલા મહિસાગરના રાઠડા બેટ ગામના આ દૃશ્યો જોઈ લેવા જોઈએ. રાઠડા બેટ ગામમાં આઝાદીના 80 દાયકા પુરા થવા જાય છે પરંતુ ગામમાં તંત્ર આજ દિવ સુધી પૂલ બનાવી શક્યુ નથી. વર્ષોથી ગામમાં પૂલની મંજૂરી તો આપી દેવાઈ છે પરંતુ આ મંજૂરી માત્ર કાગળ પર છે. પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુએ શરૂ કરાવેલી પંચવર્ષિય યોજનાઓ તો પુરી થઈ ગઈ પરંતુ પંચવર્ષિય યોજનાની ઢબે કામ કરવાની અધિકારીઓની આદત હજુ એની એ જ છે.
વર્ષોથી ગામને કાગળ પર પૂલની મંજૂરી મળી ગઈ છે પરંતુ ગામમાં હજુ સુધી પૂલ બન્યો નથી. તંત્રના આ નઠોરપણાને લીધે રાઠડા બેટ ગામના લોકો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે. ગામમાં ચાહે કોઈના લગ્નનો પ્રસંગ હોય કે મરણનો પ્રસંગ, કોઈ મેડિકલ ઈમરજન્સી હોય તો પણ ગામના લોકો એક નાનકડી નાવના સહારે જ રસ્તો પસાર કરે છે.
પહેલા આ દૃશ્યો જુઓ
કડાણા ડેમનું પાણી વધારે હોવાને કારણે રાઠડા બેટના લોકો અવર જવર કરવા માટે નાવડીનો સહારો લે છે. આ વિસ્તારના ગામડાના લોકો માટે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ પાયાની જરૂરિયાતો નથી. અવરજવર કરવા માટે પણ અત્યાર સુધી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. રાઠડા બેટ વિસ્તારના લોકોને અવર જવર માટે નાવડી એકમાત્ર સહારો છે.
રાઠડા બેટ ગામમાં જ્યારે પણ કોઈ સારો નરસો પ્રસંગ હોય લોકોને એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે નાવડીથી નદી પાર કરીને જવુ પડે છે. લોકો જીવના જોખમે નાવડીમાં મુસાફરી કરી નદી પાર કરવા મજબૂર છે. અહીં પુલ તો મંજૂર થઈ ગયો છે પરંતુ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી. તંત્રની ઉદાસીનતા કહો કે પછી ગ્રામીણ વિસ્તારનું દુર્ભાગ્ય પરંતુ હજુ સુધી પુલ ન મળતા ગ્રામજનોની લાચારી કોઈને દેખાતી નથી. છેલ્લા કેટલાય વર્ષોથી ગામલોકો પૂલ બનાવવાની માગ કરી રહ્યા છે પરંતુ પૂલ બનતો નથી.
Published On - 7:10 pm, Wed, 13 May 26