
સુરતના પલસાણા વિસ્તારમાંથી પ્રેમ લગ્નનો એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. પલસાણાના બગુમરા ગામમાં આવેલી એક સોસાયટીમાં 22 વર્ષીય પરિણીતાની થયેલી શંકાસ્પદ મરણનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઇન્સ્ટાગ્રામ પર અન્ય યુવતી સાથે વાતચીત કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં પતિએ જ પોતાની પત્નીનું ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી હતી.
વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પતિ સુરતથી ભાગી ગયો હતો, જેને સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પલસાણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે દિલ્હીના જૂના રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે. આવો વિગતવાર જાણીએ સોશિયલ મીડિયાના કારણે સર્જાયેલા આ ખૂની ખેલની આખી કહાની,
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવતી મેવીશ ખાતૂન અને આરોપી પતિ શિવમ રણજીતસિંહ ઠાકુર બંને મૂળ ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લાના એક જ ગામના રહેવાસી હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યારે મેવીશ સગીર વયની હતી ત્યારે જ શિવમ તેને પોતાની સાથે ભગાડી ગયો હતો અને તે સમયે તેની સામે ગુનો પણ નોંધાયો હતો. જો કે, યુવતી પુખ્ત વયની થતાં બંનેએ હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી સુરતના બગુમરા સ્થિત મહાદેવ વિલા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૫૦૬માં ભાડે રહેવા આવ્યા હતા.
આ ઘટના 17 મે 2026ના રોજ સામે આવી હતી, જ્યારે ફ્લેટમાંથી મેવીશની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં આ મામલાને સામાન્ય મોત ગણવામાં આવી રહ્યો હતો. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું કે યુવતીનું મોત ગળું દબાવવાના કારણે ગૂંગળામણથી થયું છે. આ રિપોર્ટ આવતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જોયું તો પતિ શિવમ ઘર છોડીને ફરાર હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તેનો પીછો કર્યો અને અંતે દિલ્હી રેલવે સ્ટેશનથી તેને દબોચી લીધો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપી શિવમે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે તે ઇન્સ્ટાગ્રામ પર કોઈ અન્ય મહિલા સાથે સતત વાતચીત કરતો હતો, જેની સામે તેની પત્ની મેવીશને સખત વાંધો હતો. આ બાબતને લઈને બંને વચ્ચે લાંબા સમયથી ઘરમાં કંકાસ ચાલતો હતો. ઘટનાના દિવસે પણ ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ કરવાના મુદ્દે બંને વચ્ચે જોરદાર બોલાચાલી અને દલીલો થઈ હતી. આ બહેસબાજી દરમિયાન શિવમે ગુસ્સા પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આવેશમાં આવીને મેવીશનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ પલસાણા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.