
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતની આંકડાકીય વિગતો આપતા ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાઓમાં ભાજપે 89.75% બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષો માત્ર ગણતરીની બેઠકો પર સમેટાઈ ગયા છે. તેવી જ રીતે, જિલ્લા પંચાયતોમાં 81.83%, નગરપાલિકાઓમાં 75.76 % અને તાલુકા પંચાયતોમાં 70.19% બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ સરેરાશમાં 74.96% બેઠકો પર ભાજપની જીત થઈ છે, જે દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી ભાજપનો વિશ્વાસ પહોંચ્યો છે.
ચૂંટણી દરમિયાન વિપક્ષો દ્વારા કરવામાં આવેલા ભ્રામક પ્રચારો અને અભદ્ર ભાષાના પ્રયોગની સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ કડક ટીકા કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ગુજરાતે પહેલીવાર જોયું કે વિપક્ષે અત્યંત હલકી કક્ષાની ભાષા અને અભદ્ર ટિપ્પણીઓનો સહારો લીધો, જે ગુજરાતના સંસ્કારો નથી. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ગુજરાતને બદનામ કરવાના કાવતરા રચ્યા, અનાજના ટ્રાન્સપોર્ટેશન અને ટીપી સ્કીમો બાબતે ભ્રામક જૂઠાણાં ફેલાવ્યા, તેને જનતાએ મતો દ્વારા સણસણતો જવાબ આપ્યો છે.
જીતુ વાઘાણીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણીમાં પરાજય બાદ વિપક્ષો ‘મજબૂત વિકલ્પ’ બનવાની અને ‘વોટ શેર’ વધારવાના બણગા ફૂંકીને પોતાની હાર ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેક ચૂંટણી બાદ “પન્નો ટૂંકો પડ્યો”ના બહાના કાઢતા વિપક્ષે સ્વીકારી લેવું જોઈએ કે, તેઓ ચૂંટણી જીતવા માટે નહીં પણ માત્ર અસ્તિત્વ ટકાવવા લડી રહ્યા છે. તેમણે વિપક્ષને પરાજય સ્વીકારવા અને નકારાત્મકતા છોડી જનતાના હિતમાં સકારાત્મક અને રચનાત્મક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.