Rajkot: પ્રધાન પદ ગયા બાદ કુંવરજી બાવળિયા આક્રમક મૂડમાં, એક સાથે જનતાના 50 થી વધુ પ્રશ્નોનો કર્યો મારો

| Edited By: | Updated on: Nov 17, 2021 | 12:17 PM

Rajkot: પ્રધાન પદ ગયા બાદ કુંવરજી બાવળિયા ફરી પોતાના જુના તેવરમાં આવી ગયા હોય એવું લાગી રહ્યુ છે. તેમણે ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં 50 થી વધુ પ્રશ્ન પૂછ્યા છે.

રાજ્ય સરકારમાંથી પ્રધાન પદ ગયા બાદ કુંવરજી બાવળિયા આક્રમક મૂડમાં આવી ગયા છે. તેમણે સરકાર સામે જ બાંયો ચડાવી હોય તેવા તેવર જોવા મળી રહ્યા છે. કુંવરજી બાવળિયા રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન હતા. પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાનમંડળમાં સ્થાન ન મળતાં હવે તેઓ રોષ ઠાલવી રહ્યા હોય તેમ લાગે છે.

તેમણે પોતાના વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોને લઈ સરકારની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. કુંવરજી બાવળિયાએ જિલ્લાની ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં 50 થી વધુ પ્રશ્ન પૂછ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે – વીંછીયા તાલુકામાં રોડ રસ્તા ખરાબ છે, આ કામ કેમ અધવચ્ચે મૂકી દેવાયું? આટકોટ આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉડ વોલ ન હોવાથી દબાણ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી આવસ યોજનાનો લાભ લેવા પાત્રતા છતાં રાવળા હક્કમાં તેમનું નામ ન ચઢવાથી લાભ નથી મળતો. તેનું શું કારણ?

આ સાથે ઘણા જનતાના પ્રશ્નો કુંવરજી બાવળિયાએ પૂછ્યા હતા. વીંછિયા અને જનડા ગામે રમતગમતના મેદાનને લઈને પણ તેમણે પ્રશ્ન કર્યો કે ગ્રામપંચાયતનો ઠરાવ પણ થયો છે ઉકેલ કેમ નથી આવતો? વીંછિયા ગામે ગામતળ નીમ કરી જરૂરિયાતમંદોને પ્લોટ કેમ નથી અપાતા?

જણાવી દઈએ કે બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા ત્યારે પણ આવા જ તેવર જોવા મળતા હતા. તેઓ ફરિયાદ સંકલનની બેઠકમાં પ્રશ્નો લાવીને અધિકારીઓને ખખડાવી નાખતા હતા. પરંતુ ભાજપમાં ભળ્યા બાદ આ તેવર ખાસ જોવા મળતા ન હતા. જો કે મંત્રીપદ ગુમાવ્યા બાદ બાવળિયા ફરી જૂના મૂડમાં આવ્યા છે તેવું જણાઈ રહ્યું છે.

 

આ પણ વાંચો: RAJKOT : જાજરમાન લગ્નોત્સવ સંપન્ન !! જમણવારની એક થાળીનો ભાવ સાંભળીને તમે ચોંકી જશો !!

આ પણ વાંચો: Gandhinagar: પ્રદેશ ભાજપની આજે મળશે કારોબારી બેઠક, આગામી ચૂંટણીને લઈને ઘડાશે રણનીતિ!