
ખેડા જિલ્લામાં મોટો દરગાહ-મસ્જિદ નજીક ગરબા ન રમવાનું બોર્ડ લાગતા મામલો ગરમાયો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો કે વિવાદિત બોર્ડ અંગે બજરંગ દળે પોલીસમાં અરજી કરી હતી.સમગ્ર મામલે હિંદુ સંગઠનોના આગેવાનોએ પણ વિવિધ રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. આખરે પોલીસના આદેશ બાદ વિવાદિત બોર્ડ દૂર કરાયું.
ખેડા જિલ્લાના માતરમાં નાની ભાગોળ વિસ્તારમાં નવરાત્રિને લઈને વિવાદિત બોર્ડ લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. નાની ભાગોળ વિસ્તારમાં લાગેલા વિવાદિત બોર્ડમાં નવરાત્રિ દરમિયાન હુસેની ચોકમાં ગરબા રમવાની મનાઈ ફરવામાં આવી છે. સાથે જ તેમાં ઉલ્લેખ કરાયો કે દરગાહ, મદરસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવાની સખત મનાઈ છે. આ વિવાદિત બોર્ડને લઈને ગુજરાત બજરંગ દળના એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી જેમાં સવાલ ઉઠાવવામાં આવ્યા. સાથે જ પોલીસમાં અરજી કરવામાં આવી હતી.
બોર્ડમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવાની મનાઈ છે. બસ પછી શું હિંદુ સંગઠનોમાં રોષ ભભૂક્યો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા પારખી ગયેલી પોલીસ ત્વરીત એક્શનમાં આવી અને વિવાદીત બોર્ડને હટાવ્યું. હિંદુ સંગઠનોએ આવી હરકત બદલ રોષ પ્રગટ કર્યો અને આવા બોર્ડ લગાવનારા વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.
બીજી તરફ વિવાદ સર્જાતા મુસ્લિમ અગ્રણીઓ સામે આવ્યા અને દાવો કર્યો કે બોર્ડ 6 વર્ષ અગાઉ મારવામાં આવ્યું હતું. દાવો એ પણ છે કે વર્ષો પહેલા મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગોમાં અહીં મુસ્લિમ સમાજ દ્વારા ગરબા રમવામાં આવતા હતા.. જેથી કબ્રસ્તાન અને દરગાહ જેવા સ્થળો હોવાથી મુસ્લિમ સંસ્થા દ્વારા બોર્ડ મારવામાં આવ્યું હતું.
આ વિવાદ વધુ વકરે તે પહેલા જ પોલીસ એક્શનમાં આવી અને પોલીસના આદેશ બાદ વિવાદિત બોર્ડ દૂર કરાયું હતું. ત્યારે આ લખાણ મુદ્દે લોકોનું કહેવું છે કે આ પ્રકારના લખાણથી હિંદુ સમાજની લાગણી દુભાઇ છે. તો ભૂતકાળમાં ખેડાના કેટલાક ભાગોમાં તહેવારોમાં ટીખળ મુદ્દે સ્થિતિ વણસી ચૂકી છે. ત્યારે ફરી એકવાર શાંતિમાં પલીતો ચાંપતી આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને કોણે આ બોર્ડ લગાવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.