Kheda: પૂજ્ય રવિશંકર મહારાજની 138મી જન્મજયંતિ નિમિતે આજે મહેમદાવાદથી (Mahemdavad)પૂજ્ય રવિશંકર મહારાજના (Ravi Shankar Maharaj)વતન સુધી વિચાર યાત્રા 2022 પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આજે યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં મહેમદાવાદ ખાત્રજ ચોકડીથી સરસવણી સુધી 17 કિ.મી. સુધી મોટી સંખ્યામાં નાગરિકો પદયાત્રામાં જોડાયા હતા, અને પદયાત્રાના પ્રસ્થાન બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલ પદયાત્રામાં જોડાયા હતા.
હાલ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને સી.આર.પાટીલે હૈયાધારણા આપતાં જણાવ્યું હતું કે હું તમામ વાલીઓને વિશ્વાસ અપાવું છું કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે અને સુરક્ષિત ભારત પાછા લાવીશું. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ અને એમ્બેસીને પણ જરૂરી સૂચનાઓ આપીએ છીએ, યુક્રેનમાં હાલ આખા દેશના અને ગુજરાત સહિત હજારો વિદ્યાર્થીઓ ફસાયેલા છે. એ તમામને સહી સલામત ભારત પરત લાવવા ભારત સરકાર કટિબદ્ધ છે, અને તમામ બાળકોને ભારત સરકાર સુરક્ષિત પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહી છે, જોકે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા થાય પણ સરકાર તેનાથી વધુ ચિંતિત છે.
રવિશંકર મહારાજનું ગામ એટલે સરસવણી
લોકસેવક રવિશંકર મહારાજનું ગામ એટલે ખેડા જીલ્લામાં મહેમદાવાદ તાલુકામાં આવેલું સરસવણી ગામ. સરસવણી ગામમાં તેમનું સ્મૃતિ સ્મારક આવેલું છે. ગત વર્ષે પણ પૂજ્ય મહારાજની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી હતી.
લોકસેવક રવિશંકર મહારાજ દ્વારા 1લી મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. પોતાની તમામ મિલકત દેશસેવામાં આપી સમાજસેવા અને દેશસેવાના મંત્રને જીવનમાં ઉતારનાર રવિશંકર મહારાજે ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈ પોતાનું જીવન નિસ્વાર્થભાવે સમાજસેવામાં વ્યતિત કર્યું હતું. મહાગુજરાત ચળવળના પ્રણેતા અને ગુજરાત રાજ્યની સ્થાપના માટે જેમનો સિંહફાળો છે તેવા રવિશંકર મહારાજની સમાજસેવા લોકજીવનમાં આદર્શ છે.
1930માં દાંડી કૂચમાં ભાગ લીધો હતો
રવિશંકર મહારાજે નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં ડગ માંડ્યા હતા. 1920માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવી. 1923માં બોરસદ સત્યાગ્રહ સહિત વેરા નહીં ભરવાની ગામેગામ ઝુંબેશ ઉપાડી હતી.1926માં બારડોલી સત્યાગ્રહ, 1930માં દાંડી કૂચમાં ભાગ લીધો હતો.1942માં ભારત છોડો ચળવળમાં પણ આગળ પડી આગેવાની કરી હતી. આ બધા સત્યાગ્રહની ચળવળમાં તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલવાસ દરમિયાન તેઓ ગામઠી ગીતા સમજાવતા હતા. 1920માં રવિશંકર મહારાજના જ્યારથી પગરખા ચોરાયા હતા ત્યારથી તેઓએ પગરખાનો ત્યાગ કરી દીધો હતો.
પહેલી મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના તેમના હસ્તે કરવામાં આવી હતી. જે બાદ 1984 સુધી જે કોઇ ગુજરાતના મુખ્યપ્રધાન બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી હતી. 71 વર્ષની ઉંમરે 1955 થી 1958 દરમિયાન ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.એપ્રિલ 1970માં સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું ઉદ્ઘાટન પણ રવિશંકર મહારાજે કર્યું હતું.
આ પણ વાંચો : ભારતીય કિસાન સંઘનું રાજ્ય સરકારને અલ્ટીમેટમ, ખેડૂતોને એકસમાન વીજદર લાગુ કરવાની માગ
આ પણ વાંચો : Surat: સુમુલ ડેરીના ડિરેક્ટરની CMને રજૂઆત, દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયા સહાય આપવા માગ