Kheda : ડાકોરના ઠાકોરની આરતીનો વિવાદ છેડાયો, સિંહાસનની નીચેથી ઉતારાઈ આરતી ! વૈષ્ણવોમાં રોષ

ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં આરતી ઉતારવાની પરંપરામાં ફેરફાર કરાતા વિવાદ ઉભો થયો છે. મંદિરના ઈતિહાસમાં પહેલીવાર પ્રભુ રણછોડરાયજીની આરતી પરંપરાગત રીતે સિંહાસન પર નહીં, પરંતુ નીચે ઊભા રહી ઉતારવામાં આવી. ટેમ્પલ કમિટીએ આદેશ આપ્યા છે કે આરતી કરતી વખતે વારાદારો સિંહાસન કે તેના પાટીયા પર ઊભા ન રહે. આ નિર્ણયને લઈને સેવકો અને વૈષ્ણવોમાં ભારે નારાજગી છે.

Kheda : ડાકોરના ઠાકોરની આરતીનો વિવાદ છેડાયો, સિંહાસનની નીચેથી ઉતારાઈ આરતી ! વૈષ્ણવોમાં રોષ
| Edited By: | Updated on: Mar 01, 2025 | 12:49 PM

ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં આરતી ઉતારવાની પરંપરામાં ફેરફાર કરાતા વિવાદ ઉભો થયો છે. મંદિરના ઈતિહાસમાં પહેલીવાર પ્રભુ રણછોડરાયજીની આરતી પરંપરાગત રીતે સિંહાસન પર નહીં, પરંતુ નીચે ઊભા રહી ઉતારવામાં આવી. ટેમ્પલ કમિટીએ આદેશ આપ્યા છે કે આરતી કરતી વખતે વારાદારો સિંહાસન કે તેના પાટીયા પર ઊભા ન રહે. આ નિર્ણયને લઈને સેવકો અને વૈષ્ણવોમાં ભારે નારાજગી છે.

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આરતી મુદ્દે વિવાદ

મંદિર સેવકોએ ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે અને પરંપરા વિરુદ્ધ કોઈપણ ફેરફારને સ્વીકારવાની ના પાડી છે. આ સાથે, આરતી દરમ્યાન પોલીસ અધિકારીઓ નિજ મંદિરમાં પ્રવેશતા પૂજારીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. મંદિર સમિતિ અને સેવકો વચ્ચે આ મુદ્દે ઉગ્ર વિવાદ ઉઠ્યો છે, અને આ નિર્ણય અંગે વૈષ્ણવ સમાજની તરફથી વધુ પ્રતિક્રિયાઓ આવતા મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

વારાદારીને સિંહાસન પર ન ઊભા રહેવા આદેશ

ઉલ્લેખનીય છે કે 99 દિવસ પહેલાં આરતી સમયે એક વારાદારી એટલે કે આરતી ઉતારનાર વ્યક્તિ જ્યારે આરતી ફેરવી રહ્યો હતો. ત્યારે સાથે ઊભેલા અન્ય પૂજારીનો ખેસ સળગ્યો હતો. જે બાદ ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે કે હવે કોઈ વારાદારી સિંહાસન કે તેના પાટીયા પર ઊભો નહીં રહે. એટલે કે હવે આરતી નીચેથી જ કરવાની રહેશે. ટેમ્પલ કમિટીએ પૂજારીઓનો મત જાણ્યા વિના જ પોતાની મનમાની કર્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

નિજ મંદિરમાં પોલીસ પ્રવેશતા આક્રોશ

કમિટીના આ નિર્ણયથી વૈષ્ણવ ભક્તોમાં પણ આક્રોશ છે. તો બીજી તરફ સમગ્ર ઘટનામાં આરતી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા સેવકોમાં પણ નારાજગી જોવા મળી હતી. તેમનો આરોપ છે કે તેઓ જાણે કોઈ ગુનેગાર હોય તે પ્રકારે તેમની સાથે વર્તન કરાયું.

તો બીજી તરફ મંદિર કમિટીનો દાવો છે કે પહેલાં આરતી સિંહાસન ઉપરથી ઉતારવામાં આવતી હોવાથી ભાવિક ભક્તોને ભગવાનના પૂર્ણ દર્શન ન હતા થતા. હજારો ભક્તોની વિનંતી હતી કે જો આરતી સિંહાસન પરથી ન થાય તો ભગવાનના દર્શન થઈ શકે.  આ નિર્ણયથી ઠાકોરજીની સેવા પ્રણાલીમાં કોઈ જ ફર્ક નથી પડતો. જેમને મીડિયામાં આવવાનો શોખ છે, તે જ લોકો આવા વિરોધ કરે છે.