
કચ્છમાં એકમાત્ર બચેલુ દુર્લભ પ્રજાતિનું ઘોરાડ પક્ષીનું બચ્ચુ ગુમ થયુ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિના બચ્ચાની દેખરેખ માટે 60 વન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. છતા બચ્ચુ ગુમ કેવી રીતે થયુ તે સવાલ ઉઠી રહ્યા છે. આ વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિને બચાવવા કચ્છમાં રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડુ લાવવામાં આવ્યુ હતુ. માદા ઘોરાડે આ ઈંડાનું ત્રણ દિવસ સેવન કર્યુ અને 26 માર્ચે ઈંડામાંથી એક તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો હતો. હવે બરાબર એક મહિના બાદ 26 એપ્રિલના રોજ આ બચ્ચુ અચાનક ગુમ થઈ ગયુ છે ત્યારે વન વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. વન્ય કર્મીઓનું કહેવુ છે કે 18 એપ્રિલ બાદ બચ્ચુ દેખાયુ જ નથી. ત્યારે હાલ ઘોરાડના આ બચ્ચાને શોધવા માટે 1600 હેક્ટર વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઓપરેશન એગ ટ્રાન્સફર હેઠળ રાજસ્થાનથી ઘોરાડનું ઈંડુ લવાયુ હતુ. જે માત્ર એક મહિનામાં જ ગુમ થયુ છે. આ બચ્ચા પાછળ 60 વન કર્મચારીઓને તેની સતત દેખરેખ માટે રાખવામાં આવ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે આ બચ્ચુ ગયુ તો ગયુ ક્યાં. બચ્ચુ એટલુ મોટુ પણ નથી કે ઉડીને ક્યાંય પહોંચી જાય. ત્યારે બચ્ચાનો શિકાર થયો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
અબડાસા તાલુકાના નલિયા નજીક ઘોરાડનું અભયારણ્ય આવેલુ છે. આ અભયારણ્યમાં સતત ચાર દિવસથી આ બચ્ચાની શોધખોળ ચાલી રહી છે. છતા બચ્ચાનો કોઈ પત્તો લાગ્યો નથી. જો કે બચ્ચાનો શિકાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે પરંતુ શિકાર થયો હોય તો તેના કોઈ અવશેષ પણ મળી આવે પરંતુ આ બચ્ચાના કોઈ અવશેષો પણ મળ્યા નથી.
છેલ્લા એક દાયકા જેટલા સમયથી કચ્છમાં એક પણ નર ઘોરાડ ન હોવાથી માદા ઘોરાડના ઈંડા ફલિત થઈ શક્તા ન હતા. આજથી બે દાયકા પહેલા આ દુર્લભ પ્રજાતિના ઘોરાડ પક્ષીની સંખ્યા ભારતમાં 1260 હતી. જે 2019માં ઘટીને 150 થી પણ ઓછી થઈ ગઈ. વર્ષ 2017 થી ચાલી રહેલા પ્રયાસોને 9 વર્ષ બાદ સફળતા મળી હતી. અને બચ્ચાનો જન્મ થયો હતો. જેના પર પીએમ મોદીએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
હાલ આ બચ્ચુ ગુમ થયા બાદ વનવિભાગ દ્વારા રાજસ્થાનથી વધુ એક ફલિત ઈંડુ લાવલાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે ગુમ થયેલુ બચ્ચુ ક્યાં ગયુ, શિકાર થઈ ગયો કે અન્ય કોઈ કારણોસર ગુમ થયુ તેની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.
Published On - 3:53 pm, Fri, 1 May 26