બે દિવસ પહેલા કચ્છ (Kutch)ની સરહદે દરિયામાંથી 11 પાકિસ્તાની બોટ (Pakistan Boat) ઝડપાઈ હતી. જો કે તેમા સવાર માછીમારો(Fishermen) ફરાર થઈ ગયા હતા. હવે BSF, આર્મી અને એરફોર્સે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 6 માછીમારોને ઝડપી પાડ્યા છે.
બે-ત્રણ દિવસ પહેલા કચ્છની સરહદે પાકિસ્તાનની 20 જેટલી બોટની શંકાસ્પદ અવર-જવર જોવા મળી. UAVની મદદથી પાકિસ્તાન તરફની શંકાસ્પદ હરકત જોવા મળતા જ સરહદી સુરક્ષામાં તૈનાત એજન્સીઓ સક્રિય બની હતી અને 11 જેટલી પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી, પરંતુ બોટમાં સવાર પાકિસ્તાની નાગરિકો ભારતની જમીન પર ઉતરીને અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યા હતા. BSFના સતર્ક જવાનોએ એક LMG બસ્ટ ફાયર કરી અંધારામાં છૂપાયેલા પાકિસ્તાની નાગરિકોનું સ્થળ શોધી કાઢ્યું હતુ.
પાકિસ્તાની નાગરિકોના સ્થળ અંગે એરફોર્સના હેલિકોપ્ટરને જાણ કરવામાં આવી. સવાર થતાં જ હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરીને 6 પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવાયા છે. જ્યારે અન્ય પાકિસ્તાની નાગરિકો ફરાર થઈ ગયા છે. આ ઓપરેશનમાં 4 હેલિકોપ્ટરમાં 3 BSF અને એક આર્મીની ટીમ જોડાઈ હતી. આ દરેક ટીમમાં 12 જવાનો હતા.
કચ્છના હરામીનાળા વિસ્તારમાં દુર્ગમ ભૌગોલિક સ્થિતિનો લાભ લઈ પાકિસ્તાની માછીમારો અનેકવાર છટકી જાય છે. આ ઝડપાયેલા તમામ માછીમારો પાકિસ્તાનના ઝીરો ગામના છે. પાકિસ્તાની માછીમાર પાકિસ્તાન તરફના દરિયામાં માછલીઓ ઓછી હોવાથી વારંવાર ભારતીય વિસ્તારમાં માછીમારી માટે ઘૂસી આવે છે. સુરક્ષા એજન્સીઓએ ઝડપાયેલા માછીમારોની પૂછપરછ હાથ ધરી છે. જો કે પાકિસ્તાની માછીમારો પાસેથી હજુ સુધી કોઈ હથિયાર કે ડ્રગ્સની હેરાફેરીની વિગતો મળી નથી.
નોંધનીય છે કે પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોનું વારંવાર અપહરણ કરવામાં આવે છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારો રસ્તો ભુલી જાય તો તેમને રસ્તા બતાવવાના બદલે તેમનું અપહરણ કરી લે છે. આવા જ અનેક માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે. જેમને બચાવવા માછીમારોના પરિવારો વારંવાર સરકારને રજુઆત કરતા હોય છે.
આ પણ વાંચો- Bhavnagar: માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, ભાવ સારા મળતા જગતનો તાત ખુશખુશાલ
આ પણ વાંચો- Bhavnagar: સિહોર-ઘાંઘળી રોડ પર જીઆઈડીસીમાં આવેલી અરિહંત ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 શ્રમિકો દાઝી ગયા