ભવનાથ મંદિરના મેનેજર અતુલ દવે સાથે tv9 સંવાદદાતાએ ખાસ વાતચીત કરી જેમા તેમણે સનાતનનો મહિમા સમજાવતા જણાવ્યુ કે પાંચ હજાર વર્ષથી ચાલી આવતી એક ભવ્ય પરંપરા છે. એ પરંપરામાં સાહિત્ય હતુ, સંગીત હતુ, કળા હતી અને તમામ પ્રકારના વિજ્ઞાન હતા.
શસ્ત્ર, શાસ્ત્ર અને જ્યોતિષ હતુ, એ પરંપરા એટલે સનાતન પરંપરા, હિંદુત્વની પરંપરા, શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ અને આપણા દેવોત્સવો એ તેના પાયાના પથ્થરો છે. આ દેવોત્સવમા અતિ પ્રિય હોય, લોકોને દિલમાં વસેલો હોય તો એ છે દેવાધિદેવનો ઉત્સવ મહાશિવરાત્રી.
મૃગીકુંડમાં મધ્યરાત્રીએ શાહી સ્નાન બાદ અનેક સિદ્ધહસ્ત સન્યાસીઓ અહીં જ અદૃશ્ય થઈ જાય છે આ માન્યતા અંગે જણાવ્યુ કે આ હકીકત છે અને આ પ્રસંગને શબ્દોમાં વર્ણવી ન શકાય માત્ર અનુભવી શકાય. ગીરા નયન નયન બિનોબાની. ગેબી ગીરનારના અનેક રહસ્યો છે જે પૈકી આ એક પણ છે. અહીં અનેક એવા એવા તપસ્વીઓ આવે છે જે માત્ર શિવરાત્રીના મેળામાં જ જોવા મળે છે એ પછી એ ક્યાં જાય છે એ અકળ રહસ્ય ક્યારેય કોઈને જાણવા મળ્યુ નથી. અહીંના નાગા સન્યાસીઓ વિશે એવુ કહેવાય છે કે કેટલાય ભાવુકો નાગા સન્યાસીની નજીક કલાકો બેસી રહે છે. જેમાથી કેટલાક એવા બાવા હોય છે જે પ્રસન્ન થાય અને આશિર્વાદ આપે તો ન્યાલ થઈ જવાય.
આ તપસ્વીઓ માત્ર ભવનાથમાં શિવરાત્રીની ધજા ચડે ત્યારે જ વર્ષમાં એકવાર બહાર આવે છે અને શિવરાત્રી પુરી થતા ક્યાં અને ક્યારે પરત ફરે છે તે કોઈ જાણી શક્યુ નથી. આ બાવાઓ વિશે એવુ પણ કહેવાય છે કે તેમનો ક્રોધ આગ જેવો હોય છે અને જો તેઓ વરસી ગયા તો ન્યાલ કરી દેતા હોય છે. આ તમામ રહસ્યો વણઉકેલ્યા છે.
એવી અનેક લોકવાયકાઓ મુજબ અને મહાત્માઓની કહેલી વાતો મુજબ આ તો મહાદેવ અને સિદ્ધોની ભૂમિ છે. અહીં હાલના સમયમાં પણ અનેક એવા સિદ્ધહસ્ત વિદ્યા ધરાવતા તપસ્વીઓ છે, જેઓ ગીરનારમાં તપસ્યા કરે છે અને શિવરાત્રીએ ભગવાન શિવનું સ્વાગત કરવા માટે, મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે, અને જેવુ સ્નાન પૂર્ણ થાય છે એટલે તરત જ પોતાને અદૃશ્ય કરીને મૂળ સ્થાને પાછા જતા રહે છે.
મહંતે વધુમાં જણાવ્યુ કે આ 4 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને તેના માટે અગાઉથી આયોજનો ચોક્કસ થાય છે પરંતુ એ મહાદેવની કૃપા પણ છે કે અહીં રહેતા, રોકાતા શ્રદ્ધાળુઓની વ્યવસ્થા આપોઆપ થઈ જાય છે. તેમને એક રૂપિયાનો પણ ખર્ચ કરવો પડતો નથી. મોટી સંખ્યામાં અન્નક્ષેત્રો ચાલે છે, જેના કારણે શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજનરૂપી પ્રસાદ મળી રહે છે.
Input Credit- Jignasa Kalani- Bhavnath, Junagadh
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:27 pm, Thu, 7 March 24