
જૂનાગઢમાંથી એક ખાનગી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જૂનાગઢની કે.જી. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પર ગંભીર બેદરકારી અને નિયમોના ભંગનો આરોપ લાગ્યો છે, જ્યાં મંજૂરી વગરના તબીબો દ્વારા ગરીબ દર્દીઓના 76 જેટલા ઓપરેશન્સ કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાએ રાજ્યના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કે.જી. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ઓર્થોપેડિક સર્જરીમાં એક મોટું કૌભાંડ ઝડપાયું છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે એક જ દિવસમાં કાયદા અને તબીબી માપદંડો વિરુદ્ધ ત્રણથી વધુ ઘૂંટણ રિપ્લેસમેન્ટના ઓપરેશન્સ કરવામાં આવ્યા હતા. તબીબી નિયમો મુજબ, એક ઓર્થોપેડિક સર્જન એક દિવસમાં ત્રણથી વધુ ઘૂંટણ બદલવાના ઓપરેશન્સ કરી શકતો નથી, પરંતુ હોસ્પિટલે આ નિયમનો પણ ઉલાળિયો કર્યો હતો.
આ ગંભીર બેદરકારી અને ગેરરીતિઓને ધ્યાનમાં લઈને ગાંધીનગર આરોગ્ય કમિશનર કચેરી દ્વારા કે.જી. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને રૂપિયા 12.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, હોસ્પિટલને તબીબી માપદંડોના ભંગ બદલ શો-કોઝ નોટિસ પણ પાઠવવામાં આવી છે, જેમાં તેમને સાત દિવસમાં દંડની રકમ ભરવા અને ખુલાસો કરવા જણાવાયું છે.
હોસ્પિટલના ઓડિટમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા, જેમાં મંજૂરી વગરના અને અનઅધિકૃત ડોકટર્સ પાસે સર્જરી કરાવવામાં આવી હોવાનું અને હોસ્પિટલમાં નિયમ વિરુદ્ધ આડેધડ સર્જરીઓ કરાઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ ઘટના રાજ્યમાં હોસ્પિટલો દ્વારા થતી મનમાની અને સરકારની કલ્યાણકારી યોજનાઓના દુરુપયોગનો વધુ એક કિસ્સો દર્શાવે છે. ભૂતકાળમાં પણ આવા છાતી કાંડ જેવા કિસ્સાઓ બાદ નિયમો કડક બનાવવામાં આવ્યા હોવા છતાં, ઘણી હોસ્પિટલો પોતાની મનમાની ચલાવી રહી છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ એક મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આરોગ્ય વિભાગ માત્ર દંડ ફટકારીને સંતોષ માની રહ્યું છે?
ગરીબ દર્દીઓના સ્વાસ્થ્ય અને સરકારી યોજનાના ભંડોળ સાથે ચેડા કરવા બદલ વધુ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ઘણા લોકો એવી માંગ કરી રહ્યા છે કે કે.જી. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું PMJAY યોજનામાંથી જોડાણ રદ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવી શકાય. સમગ્ર મામલે વધુ તપાસ અને કડક પગલાંની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
મેડિકલ અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક થયો ગુમ, જુઓ Video