ભવનાથના મેળામાં આવતા ભાવિકો અલગ અલગ અખાડાના સાધુસંતોનો આશિર્વાદ મેળવતા હોય છે. આ અખાડાના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં સાધુઓ આ મેળામાં આવે છે તે અંગે મુજકુંદ ગુફાના મહંત મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીએ tv9 સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરી. મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરીજીએ જણાવ્યુ કે…
આદિગુરુ શંકરાચાર્ય ભગવાને અખાડાઓની સ્થાપના કરી અને ચારેય દિશામાં મઠ સ્થાપ્યા ત્યારે અખાડાઓમાં અંગ કસરતો જ થતી હતી. ત્યાં ધર્મની રક્ષા માટે સૈનિકો અને લડવૈયા તૈયાર કરવામાં આવતા હતા. તેમને શસ્ત્રોની સાથે શાસ્ત્રોનું પણ જ્ઞાન આપવામાં આવતુ હતુ. આ અખાડાઓની અંદર રહેતો વ્યક્તિ જે સન્યાસ પરંપરામાં જોડાયો હોય છે તેમને તૈયાર કરી સમાજ માટે, માનવ ધર્મ માટે, સનાતન ધર્મ માટે અને હિંદુત્વના ધર્મ માટે કામે લગાવવામાં આવે છે.
જુનાગઢમાં ત્રણ અખાડા કાર્યરત છે. જેમા અગ્નિ, જુના, અને આહ્વાન અખાડા. જે જુના અખાડાના પૂજ્ય સ્થાને ભગવાન દત્ત મહારાજ બિરાજમાન છે. અગ્નિ અખાડામાં મા ગાયત્રીનું પૂજન થાય છે. આહ્વાન અખાડામાં ભગવાન શ્રીગણેશનું પૂજન થાય છે. આ ત્રણેય દેવતાઓનુ પૂજન અને તેમની જ સૌથી પહેલી ધજા અને માતાજીની રવાડી નીકળે છે. ત્યારબાદ ત્રણેય અખાડાના સાધુ સન્યાસીઓ તેમા નીકળતા હોય છે.
પહેલા 13 અખાડાના સંગઠનની રચના થાય છે. જેમા મહામંત્રી, અધ્યક્ષ, કોષાધ્યાક્ષ,ઉપાધ્યક્ષની નિમણૂક થાય છે. ત્યારબાદ દરેક અખાડાના પોતાના મંત્રીમંડળની રચના થાય છે. જેમા પણ અધ્યક્ષ, મહામંત્રી, કાર્યમંત્રી હોય છે. આ અનુશાસનની અંદર દરેક સન્યાસીઓ તેનો સ્વીકાર કરતા હોય છે. અને તેને ત્રણ ત્રણ વર્ષનો સમયગાળો હોય છે.
ભવનાથમાં જે પણ ધુણા લાગેલા છે બહાર ફરી રહેલા અનેક સંતો દેખાશે પરંતુ જ્યારે રવાડી નીકળે ત્યારેસંતોમાં અનેકગણો વધારો થઈ ગયો હોય છે. અને જ્યારે એ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે જાય છે, અને સ્નાન કર્યા બાદ જ્યારે પરત ફરે છે ત્યારે સ્વયંભુ ઘટાડો થઈ ગયો હોય છે.
એવી અનેક લોકવાયકાઓ મુજબ અને મહાત્માઓની કહેલી વાતો મુજબ ગીરનારમાં તો મહાદેવ અને સિદ્ધોની ભૂમિ છે. અહીં હાલના સમયમાં પણ અનેક એવા સિદ્ધહસ્ત વિદ્યા ધરાવતા તપસ્વીઓ છે, જેઓ ગીરનારમાં તપસ્યા કરે છે અને શિવરાત્રીએ ભગવાન શિવનું સ્વાગત કરવા માટે, મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે, અને જેવુ સ્નાન પૂર્ણ થાય છે એટલે તરત જ પોતાને અદૃશ્ય કરીને મૂળ સ્થાને પાછા જતા રહે છે.
Input Credit- Jignasa Kalani- Bhavnath, Junagadh