Junagadh: માત્ર 6 મહિનામાં આંબલગઢ ગામે મેઘલ નદી પર પુલ ખખડધજ, પોલ છુપાવવા પુલ પર માટી નાંખી

|

Jun 09, 2021 | 7:53 PM

Junagadh: ખેડૂતોએ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને ફરિયાદ કરતા પોલ છુપાવવા પુલ પર માટી નાખવામાં આવી છે. આ બાબતને લઈને ધારાસભ્ય અને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

Junagadh: માળીયાહાટીના તાલુકાના આંબલગઢ ગામે (Ambalgadh village) મેઘલ નદી પર બનાવેલ પુલને છ મહિના થયા છે ત્યાં તો જર્જરિત બન્યો છે. હજુ ચોમાસુ આવવાનું બાકી છે ત્યાં જ પુલ જર્જરિત બનતા પુલની નબળાઈ સામે આવી છે. જેને લઈને ખેડૂતોએ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને ફરિયાદ કરતા પોલ છુપાવવા પુલ પર માટી નાખવામાં આવી છે. આ બાબતને લઈને ધારાસભ્ય અને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

 

 

ખેડૂતોની સુખાકારી માટે જ્યારે સરકાર દ્વારા જે 7 લાખના ખર્ચે પુલ બનાવ્યો, ખેડૂતોને વિશ્વાસ હતો કે હવે મુશ્કેલી વેઠવી નહીં પડે. ત્યારે આ પુલનું કામ કરનારાએ પુલના રૂપિયા ચાવ કરી અને નબળું કામ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે ચોમાસાના પ્રથમ વરસાદ પડતાં આ પુલ તૂટી નદીમાં વહેતો થશે તેવા અનુમાન લગાવાઈ રહ્યા છે.

 

આંબલગઢ ગામના ખેડૂતો આક્ષેપો લગાવતા પોતાની વ્યથા વાગોળતાં કહ્યું કે ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ભલામણ કરી ત્યારે આ પુલનું કામ મંજુર થયું અને પુલ બન્યો પણ રેતી કોંકરેટ કે સિમેન્ટ અને સ્ટીલ પૂરતું વાપરવામાં આવ્યું નથી અને પુલ બિલકુલ નબળી ગુણવત્તાવાળો બનાવવામાં આવ્યો.

 

અમારી વાડીએ જવા માટે પુલ બનાવ્યો પણ દર વર્ષે તકલીફ વેઠતા તેવી સ્થિતિ ફરી નિર્માણ થશે તેવું લાગી રહ્યું છે. આ કામ આંબલગઢ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવ્યું છે તેમાં ગ્રામપંચાયતની મેલી મુરાદ સામે આવી છે. હજુ ચોમાસાના 10 દિવસ બાકી છે, ત્યાં વરસાદ આવશે એટલે પ્રથમ વરસાદમાં પુલ ધરાશાયી થશે.

 

આ પણ વાંચો: Gujarat : 11થી 26 જૂન સુધી ધાર્મિક સ્થાનો, હોટેલ-રેસ્ટોરન્ટ, હેર સલુન સહિતના એકમોને છુટછાટ, કોર કમિટીમાં લેવાયો નિર્ણય

Next Video