ગિરનાર લીલી પરિક્રમા : ભક્તોની આસ્થા સામે પ્રશાસન ઝૂક્યું, શ્રદ્ધાળુઓને 400ના જૂથમાં પરિક્રમાની અપાઈ મંજૂરી
Girnar Lili parikrama : જૂનાગઢ પ્રશાસને ભાવિકોને 400-400ના જૂથમાં પરિક્રમા કરવાની છૂટ આપી છે. પહેલાં માત્ર 400 સાધુ-સંતોને જ પરિક્રમાની છૂટ આપવામાં આવી હતી.
JUNAGADH : જૂનાગઢમાં ભાવિકો લીલી પરિક્રમા કરી શકશે. તંત્રએ ભાવિકોને 400-400ના જૂથમાં પરિક્રમા કરવાની છૂટ આપી છે. 19 નવેમ્બર સુધી ભાવિકો પરિક્રમા કરી શકશે. મોટી સંખ્યામાં ભાવિકો એકઠાં થતાં તંત્રએ નિર્ણય બદલ્યો છે. પહેલાં માત્ર 400 સાધુ-સંતોને જ પરિક્રમાની છૂટ આપવામાં આવી હતી. જૂનાગઢ એસ.પી રવીતેજા વાસમશેટ્ટી અને ડીસીએફ સુનિલ બેરવાલે કહ્યું હતું કે, તેમના તરફથી તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ ઉતારા મંડળના અંગ્રણીએ કહ્યું હતું કે, છેલ્લી ઘડીએ નિર્ણય બદલાતા તેમના દ્વારા નિઃશુલ્ક અન્નક્ષેત્રો આ વખતે શરૂ કરી શકાશે નહીં.
રવિવાર સવારથી જ લીલી પરિક્રમા માટે એકઠાં થયેલા ભાવિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પરિક્રમાની મંજૂરી માટે હલ્લાબોલ કર્યો હતો. બીજી તરફ કોઈ અનીચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને વન વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે, ભાવિકોની સંખ્યાને જોતા તંત્રએ પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં લીલી પરિક્રમા માટે એકઠાં થયેલા હાજરો ભાવિકોએ મંજૂરીની માગ સાથે પરિક્રમાના ગેટ સામે બેસીને ધૂન ગાઈ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. એકઠાં થયેલા ભાવિકોએ જૂનાગઢના કલેકટરને જગાડો અને જલદી મંજૂરી આપો તેવી ધૂન ગાઈ હતી. જૂનાગમાં લીલી પરિક્રમા માટે ભાવિકોને મનાઈ હોવા છતાં 25 હજાર જેટલા ભાવિકો પરિક્રમા માટે પહોંચ્યા હતા અને ભવનાથ તળેટીએ ભાવિકોએ હલ્લાબોલ કર્યો હતો અને પરિક્રમાની મંજૂરી માગી હતી.
આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ
આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું