જૂનાગઢના હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે. જૂનાગઢના (Junagadh) કેશોદ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરૂ થઈ છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની (Aviation Minister Jyotiraditya Scindia) હાજરીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કેશોદ એરપોર્ટનું લોકાર્પણ (Inauguration) કર્યું છે. મુંબઈ-કેશોદની ફલાઈટ અઠવાડિયામાં રવિવાર, બુધવાર, શુક્રવાર એમ ત્રણ દિવસ ઉડાન ભરશે. બીજી તરફ ગુજરાતના અમદાવાદ અને પોરબંદરથી નવી ફ્લાઇટ શરુ થવાની જાહેરાત પણ ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી છે.
કેશોદ એરપોર્ટ (Airport) ના નવીનીકરણ થયા બાદ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટનું લોકાર્પણ કર્યુ. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં કેશોદ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ. આવતીકાલથી મુંબઈ-કેશોદની પ્રથમ ફ્લાઈટ ઉડાન ભરશે. સમયાંતરે ફલાઈટમાં વધારો તેમજ નવા રૂટ શરૂ થવાની સંભાવના પણ છે. ત્યારે આ પ્રસંગે અમદાવાદને ત્રણ નવી ફ્લાઈટની ભેટ આપવાની જાહેરાત જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી છે.
અમદાવાદથી અમૃતસર, અમદાવાદથી રાંચી અને અમદાવાદથી આગ્રા સુધીની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તો પોરબંદરથી દિલ્લીની ફ્લાઈટ શરૂ કરવાની પણ જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી. 27 એપ્રિલથી આ ફ્લાઈટ શરૂ થશે. ફ્લાઈટ શરૂ થતા પોરબંદરથી દિલ્લી આવવા-જવા કરવાની સરળતા રહેશે.
આવતીકાલ 17 એપ્રિલથી ઉડાન ભરનારી પ્રથમ ફલાઇટ હાઉસફુલ છે. પ્રથમ દિવસે ઉડાન ભરનારી ફલાઇટના ટિકિટ ભાવ 2,950 થી 6,500 રૂપિયા છે. આ ફ્લાઇટ સેવા શરુ થતા સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલું એરપોર્ટ ઘણા સમયથી બંધ હોવાથી તેને ધમધમતુ કરવા ઉદ્યોગો સાથે વેપારી મંડળો દ્વારા રજૂઆતો સાથે માંગણી કરવામાં આવતી હતી, જેના પગલે એરપોર્ટ પર હવાઈ મુસાફરી શરૂ કરવા માટે રૂ.25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
કેશોદ એરપોર્ટ પર વર્ષ-2000માં કોમર્શીયલ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ સમયે 13 સીટનું વેઈટીંગ રહેતુ હતું. જે તે સમયે દિવ એરપોર્ટ શરૂ થતા ટ્રાફિક ઓછો થયો હતો. કેશોદ વાણિજ્ય વિમાની સેવા બંધ થતા વેપારીઓ અને દેશ- વિદેશમાં વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારી વિકાસ મંડળ, સાંસદ, ધારાસભ્યોએ રજૂઆત કરતા કેન્દ્ર સરકારે આ એરપોર્ટનો ઉડ્ડાન યોજના હેઠળ સમાવેશ કર્યો હતો. બાદમાં સર્વે સહિતની કામગીરી હાથ ધરાય હતી. હવે વિમાની સેવા શરૂ થઇ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો