જૂનાગઢના ભવનાથમાં અવાર-નવાર સિંહના આંટાફેરાના વીડિયો સામે આવતા હોય છે. હાલમાં જૂનાગઢમાં શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે સવાજની લટારથી ખળભળાટ ફેલાયો છે. ભવનાથમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક અચાનક સિંહ દેખાતા દોડધામ મચી ગઈ હતી. વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને સિંહને સુરક્ષિત રીતે શ્રદ્ધાળુઓના રસ્તાથી દૂર ખસેડાયો હતો.પરંતુ શહેરી વિસ્તારમાં સિંહના આંટાફેરાએ ચિંતા વધારી છે. અવારનવાર રહેણાંક વિસ્તારમાં સિંહની દેખાતા લોકોમાં ભયનો માહોલ છે.
સિંહને યાત્રાળુઓના માર્ગથી દૂર ખસેડાયો હતો. વન વિભાગની સતર્કતાથી સિંહ અને નાગરિકો બંને સુરક્ષિત છે.ભવનાથ વિસ્તારમાં વન વિભાગની ઝડપી કામગીરીથી મોટી ઘટના ટળી હતી. આ પહેલી વખત નથી કે, ભવનાથ વિસ્તારમાં સિંહ દેખાયો હોય. આ પહેલા પણ અનેક વખત ભવનાથ તળેટીમાં સિંહોના અવાર-નવાર આંટાફેરા જોવા મળતા હોય છે. થોડા મહિના પહેલા જ ગિરનારના પગથિયા પર સિંહે બાળકને ફાડી ખાધો હતો. ત્યારબાદ વનવિભાગ સતર્ક થયું છે.
એક બાજુ તહેવારોની સીઝન આવી રહી છે. તેમાં પણ શનિ-રવિની રજામાં ભવનાથમાં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. રજાઓમાં મોટી સંખ્યામાં લોકો ગિરનાર, કાશ્મીર બાપુની જગ્યા અને જટાશંકરના મંદિરે મોટી સંખ્યાં જતા હોય છે. રજાઓમાં ભવનાથમાં મેળાવડો જામે છે. ત્યારે આ ભીડ વચ્ચે સિંહ દેખાતા ખળભળાટ મચ્યો હતો.