
ગુજરાતની કેબિનેટનું આજે વિસ્તરણ થયુ છે અને 26 નવા મંત્રીઓએ પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બનેલા આ નવા મંત્રી મંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન અપાયુ છે. જેમા દર્શના વાઘેલા, મનિષા વકીલ અને રિવાબા જાડેજાનો સમાવેશ થાય છે. રિવાબા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રીનો કાર્યભાર સોંપાયો છે. તેમને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીનો પદભાર સોંપવામાં આવ્યો છે, જેમા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી હવે રિવાબાના શિરે આવી છે.
ઉલ્લેખનિય છે કે રિવાબાની ઉમર માત્ર 34 વર્ષ છે અને નવી કેબિનેટમાં તેઓ સૌથી નાની વયના મંત્રી છે. જો કે ઉમર ભલે નાની હોય પરંતુ રિવાબાને જવાબદારી ઘણી મોટી સોંપવામાં આવી છે. રિવાબા ખુદ ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરીંગનો કરેલુ છે અને એન્જિનિયરીંગ છોડીને રાજનીતિમાં આવ્યા છે. આ ઉપરાંત રિવાબા પ્રથમ એવા મહિલા મંત્રી છે જેમને તેમની પહેલી જ ટર્મમાં મંત્રીપદ મળ્યુ છે. રિવાબા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગરથી ચૂંટાઈને પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે અને હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રી પણ બની ગયા છે.
રિવાબાની નેટવર્થની જો વાત કરવામાં આવે તો ગુજરાતના નવા મંત્રીમંડળમાં સૌથી વધુ નેટવર્થ ધરાવતા મંત્રી પણ એ જ છે. તેમની નેટવર્થ 97.36 કરોડની છે.
આપને જણાવી દઈએ કે રિવાબા જાડેજા (જામનગર ઉત્તર) ને મંત્રીપદ આપીને પક્ષે એક સાથે અનેક હેતુઓ પાર પાડ્યા છે. તેઓ એક યુવા, લોકપ્રિય અને મહિલા ચહેરો છે. આ ઉપરાંત, તેમના માધ્યમથી રાજપૂત સમાજને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના કદાવર નેતા પરષોત્તમ રૂપાલાના નિવેદનને પગલે રાજપૂત સમાજમાં ભારે વિરોધ થયો હતો અને મહિનાઓ સુધી તેની અસર દેખાઈ હતી. જેને ઠારવામાં રિવાબા જાડેજાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.