જામનગર શહેરમાં મહાનગર પાલિકાના વોટર વર્ક શાખા દ્રારા હાલ નવા નળ કનેકશન આપવાની કામગીરી ચાલી રહી છે. આગામી એક વર્ષમાં કુલ 3 હજાર જેટલા નવા નળ કનેકશન આપીને મહાનગર પાલિકાની વર્ષે 1 કરોડની આવકમાં વધારો કરવાનુ આયોજન વોટર વર્ક શાખા દ્રારા કરવામાં આવ્યુ છે. જામનગર શહેરમાં મહાનગર પાલિકાની વોટર ચાર્જની વાર્ષિક આવક અંદાજે 30 કરોડ છે.
સ્વર્ણિમ જયંતિની નલ સે જલની યોજના મુજબ નવા ભળેલા વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈનનુ કામ કરીને વિસ્તારોમાં નળથી જળ આપવાની કામગીરી ચાલે છે. અંદાજે 30 કરોડના ખર્ચે નવી પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે. અંદાજે કુલ 145 કિમીની પાણીની પાઈપ લાઈન નાખવાનુ આયોજન છે. તૈ પૈકી હાલ સુધીમાં 100 કીમીની પાણીની પાઈપ લાઈનનુ કામ પુર્ણ થયુ છે. હજુ 45 કિમીની પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જે વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન નખાઈ રહી છે તે વિસ્તારમાં લોકોને નવા નળ કનેકશન આપીને પાણી આપવાની કામગીરી ચાલી રહી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં 7 હજારથી વધુ નવા નળ કનેકશન આપવામાં આવ્યા છે. હજુ એક વર્ષમાં કુલ 3 હજાર જેટલા નળ કનેકશન આપવામાં આવશે. વર્ષ 2020-21માં 1395 નવા નળ કનેકશન આપવામાં આવ્યા. વર્ષ 2021-22માં 4450 નવા નળ કનેકશન આપવામાં આવ્યા. અને વર્ષ 2022-23માં 1395 નવા નળ કનેકશન આપીને પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યુ. કુલ ત્રણ વર્ષમાં 7240 નવા નળ કનેકશન આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષ 2023-24માં અંદાજે 3 હજાર નવા નળ કનેકશના આપવાનુ આયોજન છે.
આ પણ વાંચો: જામનગરમાં સરકારી મિલકતોનો 18 લાખનો વેરો બાકી, વિપક્ષે આકરા આક્ષેપ કરતા કહ્યું કે 331 કરોડની ઉઘરાણી બાકી
છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા તરીકે પીવાના પાણી માટે ટેન્કર દ્રારા પાણી વિતરણ કરવામાં આવે છે. શહેરમાં કુલ 78 ટેન્કરના ફેરાથી પાણી વિતરણ થાય છે. જે નવા ત્રણ હજાર નળ કનેકશન આપવામાં આવતા મોટાભાગના ટેન્કરના ફેરા ઓછા કરવામા આવશે અને નળ કનેકશન આપવામાં આવતા પાણી પાઈપ લાઈનથી વિતરણ કરાશે. જેનાથી ટેન્કરનો ખર્ચ ઓછો થશે અને મહાનગર પાલિકાને પાણીના વોટર ચાર્જની અંદાજે 1 કરોડની આવકમાં વધારો થશે. તેવો અંદાજ હોવાનુ વોટર વર્ક શાખાના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ જણાવ્યુ છે.
Published On - 2:06 pm, Mon, 13 March 23