Jamnagar: થોડો વરસાદ થતા જ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે. હાલ વરસાદે વિરામ લીધો છે જે બાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.
દર વર્ષે પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવે છે પરંતુ કરોડના ખર્ચ પછી પણ સ્થિતી જેમની તેમ રહેતા વિપક્ષે આક્ષેપ કર્યા છે કે, પ્રિમોન્સુનની કામગીરીમાં ભષ્ટ્રાચાર થયો છે. કોઈ યોગ્ય કામગીરી થઈ નથી. તો બીજી તરફ તંત્ર દાવો કરે છે પાણીનો નિકાલ થઈ રહ્યો છે. યોગ્ય રીતે પ્રિમોન્સુનની કામગીરી થઈ છે.
જામનગર શહેરમાં પ્રથમ વરસાદથી કેટલીક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. તો વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસર્યા નથી. શહેરના ગુબાલનગર નજીક આવેલી વૃંદાવન સોસાયટી, સિન્ડીકેટ સોસાયટી, સહીતના આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન છે. ઘરની બહાર જવું લોકો માટે મુશકેલ બન્યુ છે. તંત્રને અનેક રજુઆત કરી પરંતુ કોઈ ઉકેલ ન થતા લોકોમાં તંત્રની કામગીરીને લઈને રોષ છે.
વરસાદી પાણી ન ભરાય તે માટે દર વર્ષે અંદાજે અડધા કરોડનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ આ વખતે તે ખર્ચ બમણો કરાયો છે. કુલ 1 કરોડ 20 લાખના ખર્ચે પ્રીમોન્સુનની કામગીરી કરવામાં આવી છે. જેમાં ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્રારા કરવામાં આવ્યો છે. માત્ર ખર્ચ ઉધારવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવમાં કામગીરી ન થતા સોસાયટીમાં પણ પાણી ભરાયાની સ્થિતિ ઊભી થઈ છે. ટુંક સમયમાં આ માટે યોગ્ય કામગીરી નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી વિપક્ષના નેતા ધવલ નંદાએ ઉચ્ચારી છે.
કુલ 40 કીમીમાં અલગ-અલગ 11 કામ પ્રીમોન્સુનમાં થયા છે. જરૂર લાગ્યે ત્યાં હજુ કામગીરી થતી હોવાનો તંત્રનો દાવો છે. આયોજન મુજબ પુરતા કામ થયા હોવાનો અધિકારી દાવો કરે છે. એક તરફ મહાનગર પાલિકાનુ પ્રીમોન્સુનનુ આયોજન, તે માટે કરોડનો ખર્ચ, તો બીજી તરફ અનેક સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીથી લોકો પરેશાન.
આ પણ વાંચો : અમદાવાદમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત, જમાલપુરમાં ભૂવા પડવાની ભરમાર, સ્થાનિકોમાં તંત્ર સામે રોષ
આ મુદે વિપક્ષના ભષ્ટ્રાચારના આક્ષેપ. મહાનગર પાલિકા દ્રારા દર વર્ષે આયોજન તો થાય છે, પરંતુ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ થઈ શકતો નથી. જેથી લોકો આવી હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:24 pm, Mon, 10 July 23