જામનગર: આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSનું ત્રીજા વર્ષનું પેપર ફુટ્યુ, ત્રણ સદસ્યોની તપાસ કમિટીની કરાઈ રચના

પેપરલીકના ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાતમાં વધુ એક પેપર ફુટ્યુ છે. જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના BAMS ના ત્રીજા વર્ષનું પેપર ફુટ્યુ છે. હાલ આ મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ અને દેખાવો કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં ABVP એ દેખાવો યોજ્યા અને કુલપતિના રાજીનામાની માગ કરી બીજી તરફ NSUI એ પણ ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા. અને ફોજદારી રાહે તપાસ કરવાની માગ કરી. આ મામલે યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરે જણાવ્યુ કે તપાસ કમિટીની રચના કરી દેવાઈ છે અને ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.

જામનગર: આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSનું ત્રીજા વર્ષનું પેપર ફુટ્યુ, ત્રણ સદસ્યોની તપાસ કમિટીની કરાઈ રચના
| Updated on: Jul 28, 2026 | 7:36 PM

દેશભરમાં પેપરલીકનો સિલિસિલો જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ દેશભરમાં NEET પેપરલીક મુદ્દે દેશવ્યાપી આંદોલનો થયા, જેના પગલે સરકારે જવાબદેહી સ્વીકારતા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ પણ લઈ લેવામાં આવ્યુ. આ તમામ ઘટનાક્રમને હજુ 24 કલાક પણ માંડ થયા હશે ત્યાં ગુજરાતમાં વધુ એક પેપર ફુટવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટમાં BAMS ના ત્રીજા વર્ષનું પેપર ફુટ્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે. 20 જૂલાઈએ યોજાયેલી BAMS ના ત્રીજા વર્ષ MS શલ્ય તંત્ર 1 વિષયની પરીક્ષા પહેલા જ વ્હોટ્સએપ તેના કેટલાક પ્રશ્નો ફરતા થઈ ગયા હતા. જેમા પરીક્ષા દરમિયાન વાયરલ 12 સવાલો પૈકી 11 સવાલો પૂછાયા હોવાના હકીકત સામે આવી છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓ પેપર લીક થયુ હોવાની અને તટસ્થ તપાસની માગ કરી રહ્યા છે.

વિદ્યાર્થી સંગઠનોનો આક્રોશ સાતમાં આસમાને

જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSના થર્ડ યરનું એક પેપર લીક થયાની આશંકા બાદ સમગ્ર મામલો ગરમાયો છે.  વિદ્યાર્થી સંગઠનો ઉગ્ર દેખાવો યોજી વિરોધ કરી રહ્યા છે. પેપર લીકને કારણે હજારો વિદ્યાર્થીઓની દિવસ-રાતની મહેનત પર પાણી ફરી વળે છે.  ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.  ABVPના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને  કુલપતિના રાજીનામાની માંગ કરી હતી.

બીજી તરફ NSUIએ પણ સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા. NSUIનો આક્ષેપ છે કે યુનિવર્સિટી ને એક સપ્તાહ પહેલાંથી સમગ્ર ઘટનાની જાણ હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવી.  NSUI દ્વારા સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવવા અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.

પેપલીક મામલે ત્રણ સદસ્યોની તપાસ કમિટીની કરાઈ રચના- ઈન્ચાર્જ VC

જો કે આ સમગ્ર મામલે યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરે નરેશ જૈન એ જણાવ્યુ કે ત્રણ સભ્યોની તપાસ કમિટીની રચના કરી દેવાઈ છે. જેમા પ્રિન્સીપાલ લેવલના 2 અધિકારીઓ સામેલ છે. પરીક્ષા પુરી થયા બાદ પેપર લીકની માહિતી સામે આવી હતી. દરેક પાસાં ની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો પોલીસ તપાસની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે. કમિટીના તપાસ રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. પારદર્શક તપાસમાં સત્ય બહાર આવશે.

 યુથ કોંગ્રેસે શિક્ષણમંત્રીના રાજીનામાની કરી માગ

આ તરફ આયુર્વેદ યુનિવર્સિટીના પેપરલીકના પડઘા અમદાવાદમાં પડ્યા છે. ઈન્કમટેક્સ પાસે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ અને રાજ્યના શિક્ષણમંત્રીના રાજીનામાની માગ સાથે દેખાવો કર્યા. પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. યુથ કોંગ્રેસનું કહેવુ છે કે જો શિક્ષણમંત્રી તેમના જિલ્લામાં પેપર લીક થતા ન રોકી શક્તા હોય તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ. આપને જણાવી દઈએ કે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી છે જ્યારે પ્રદ્યુમન વાજા ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ બાબતોના કેબિનેટ કક્ષાના મંત્રી છે.

પરીક્ષા સિસ્ટમની વિશ્વસનિયતા સામે સવાલો

હાલમાં, યુનિવર્સિટી સાથે જોડાયેલી 20થી 25 કૉલેજોના વિદ્યાર્થીઓના બીજા વિષયોની પરીક્ષા પહેલાથી નક્કી થયેલા પ્રોગ્રામ અનુસાર ચાલુ રાખવામાં આવી છે. NEET બાદ હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની શંકાએ રાજ્યની પરીક્ષા પદ્ધતિની વિશ્વાસપાત્રતા પર ફરીથી સવાલો ઊભા કરી દીધા છે. હવે સૌની નજર યુનિવર્સિટીએ બનાવેલી તપાસ સમિતિના રિપોર્ટ પર છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર એ વાત પર છે કે તપાસમાં શું હકીકતો સામે આવે છે અને જવાબદાર લોકો સામે શું એક્શન લેવામાં આવશે.

Input Credit- Divyesh Vayeda, Narendra Rathod

Health Tips: શું રાત્રે સૂતી વખતે અચાનક પગમાં નસ ચડી જાય છે? જાણો ક્યાં વિટામિનની ઉણપને કારણે આવુ થાય છે

Published On - 6:41 pm, Tue, 28 July 26

Follow Us