ગુજરાતના આ ગામમાં કૂવામાં બે રોટલા નાખીને નક્કી થાય છે કે કેવો પડશે વરસાદ, ગામલોકો 400 વર્ષથી નિભાવે છે આ અનોખી પરંપરા

ગુજરાતમાં ચોમાસાની અને વરસાદની આગાહી માટે હવામાન વિભાગ તેમના યંત્રો દ્વારા નક્કી કરતા હોય છે કે ચોમાસુ કેવુ રહેશે, આગાહીકારો ગ્રહો-નક્ષત્રોની ચાલ જોઈને વરસાદ અંગે આગાહી કરતા હોય છે પરંતુ જામનગના આમરા ગામના લોકો છેલ્લા 400 વર્ષથી રોટલા દ્વારા વરસાદનો વરતારો જુએ છે. આવો જાણીએ શું છે આ અનોખી પરંપરા

ગુજરાતના આ ગામમાં કૂવામાં બે રોટલા નાખીને નક્કી થાય છે કે કેવો પડશે વરસાદ, ગામલોકો 400 વર્ષથી નિભાવે છે આ અનોખી પરંપરા
| Updated on: Jul 23, 2026 | 5:13 PM

ગુજરાતમાં હાલ ચોમાસુ બરાબરનું જામ્યુ છે અને કેટલાક જિલ્લાઓને બાદ કરતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે જામનગર, દ્વારકા, પોરબંદર, અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હજુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. ત્યારે જામનગરની જો વાત કરીએ તો જામનગરના આમરા ગામમાં છેલ્લા 400 વર્ષોથી અનોખી પરંપરા જોવા મળે છે. અહીં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે કૂવામાં બે રોટલા નાખીને વરસાદ કેવો રહેશે તે નક્કી થાય છે. રોટલો જે દિશામાં જાય તેના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે વરસાદ સારો રહેશે કે નબળો રહેશે. આ વરતારો રોટલાનો વરતારો તરીકે ઓળખાય છે. આ પરંપરાની વિધિ નિહાળવા માટે આખુ ગામ એક્ઠુ થઈ જાય છે. પેઢી દર પેઢી અહીં આ જ રીતે વરસાદનો વરતારો જોવાની પ્રક્રિયા ચાલતી આવે છે.

જુઓ વીડિયો

400 વર્ષ જૂની પરપંરાનું રહસ્ય

અષાઢ મહિનાના પહેલાં સોમવારે આમરા ગામમાં ઉત્સવ જેવો માહોલ હોય છે. રોટલાના વરતારા માટે જે રોટલાનો ઉપયોગ કરવાનો હોય. તે રોટલા પરંપરાગત રીતે ચૂલા પર જ બનાવવામાં આવે છે. રોટલા તૈયાર થઈ જાય એટલે નક્કી થયા મુજબ વ્યક્તિનું આગમન થાય છે. તે રોટલાને સફેદ વસ્ત્રમાં બાંધીને લઈ જાય છે. કહે છે કે પહેલાં તો આ વિધિ નિહાળવા આમરાની આસપાસના 20 ગામના લોકો એકઠા થતાં. હવે અન્ય ગામના લોકો તો નથી આવતા. પરંતુ આમરા ગામના રહેવાસીઓએ આ પરંપરા આજે પણ જાળવી રાખી છે.

વાજતે-ગાજતે ગામના લોકો રોટલા સાથે ગામના વેરાઈ માતાના મંદિરે પહોંચે છે. અહીં માતાના દર્શન કરે છે. ત્યારબાદ જે વ્યક્તિએ કૂવામાં રોટલા નાંખવાના હોય તેને કૂવાના પાણીથી જ સ્નાન કરાવવામાં આવે છે.

‘રોટલો’ કહેશે, કેવો રહેશે વરસાદ!

આખરે માતાજીના નામની જય બોલાવીને રોટલાને કૂવામાં નાંખવામાં આવે છે અને રોટલા જો ઉગમણી દિશામાં એટલે કે પૂર્વ કે ઈશાન દિશામાં જાય તો ચોમાસું સારું રહેશે અને જો આથમણી દિશામાં જાય તો ચોમાસું થોડું નબળું રહેશે. તેવું અનુમાન લગાવવામાં આવે છે. સ્થાનિકો માટે તો હવામાન વિભાગની આગાહી કરતાં પણ આ રોટલાના વરતારાનું જ વધારે મહત્વ છે. ત્યારે આ વખતે રોટલા પરથી એવું અનુમાન નીકળ્યું છે કે પાછોતરો વરસાદ વધારે સારો રહેશે.

Input Credit- Divyesh Vayeda- Jamnagar

તમારા ઘરમાં લગાવેલા RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ ? જાણો કેટલા સમયમાં કરાવવી જોઈએ RO ની સર્વિસ

Published On - 5:08 pm, Thu, 23 July 26

Follow Us