
રાજકોટમાં ફરી એકવાર સ્કૂલ વેનમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સ્કૂલ વેનમાં નિયત ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને ઠાંસોઠાંસ ભરવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, વેનનો પાછળનો કાચ પણ તૂટેલો હોવાનું સામે આવતા વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
વિદ્યાર્થીઓને શાળા સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી ધરાવતા વાહન સંચાલકો દ્વારા આવા પ્રકારની બેદરકારી દાખવવામાં આવતા હવે મોટો પ્રશ્ન ઉભો થયો છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? વાલીઓ અને સ્થાનિક લોકોએ આ મામલે કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ઘટનાને લઈને લોકોમાં અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તાજેતરમાં લખનૌના અલીગંજ વિસ્તારમાં બનેલી આગની દુર્ઘટનામાં અનેક બાળકોના મોત થયા બાદ જ વિવિધ શહેરોમાં ફાયર સેફ્ટી અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ મોટી ઘટના ન બને અથવા નિર્દોષ લોકોના જીવ ન જાય ત્યાં સુધી જવાબદાર વિભાગો અને અધિકારીઓ સક્રિય થતા નથી.
દુર્ઘટના બન્યા બાદ તપાસ સમિતિઓ, SIT અને ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવામાં આવે છે, પરંતુ સમય જતાં મોટાભાગના કેસો ઠંડા બસ્તામાં ચાલી જાય છે તેવી પણ લોકોમાં ચર્ચા છે. વાલીઓ અને સ્થાનિકોનો આક્ષેપ છે કે જો નિયમિત ચેકિંગ, કડક અમલવારી અને જવાબદારો સામે સમયસર કાર્યવાહી કરવામાં આવે તો અનેક દુર્ઘટનાઓને અટકાવી શકાય. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દે માત્ર તપાસના આદેશો નહીં પરંતુ જવાબદારી નક્કી કરીને કડક પગલાં ભરવાની જરૂરિયાત હોવાનું લોકો માની રહ્યા છે.
Published On - 6:20 pm, Wed, 24 June 26