વડોદરાના કોયલીમાં IOCLની રિફાઇનરીમાં જોરદાર બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જેમાં 2 લોકોના મોત થયા છે. આગ લાગતાંની સાથે જ ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. આગની ભયાનકતા એટલી હતી કે 5 કિમી દૂર સુધી તેનો ધુમાડો જોવા મળ્યો. રિફાઈનરીમાં બેન્ઝીન સ્ટોરેજ ટાંકીમાં બોઇલર ફાટવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
IOCLની રિફાઇનરીમાં બપોરે 3-30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. રિફાઈનરી ખાતે આવેલી બેન્ઝીન સ્ટોરેજ ટાંકી (1,000 KL ક્ષમતા)માં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ રિફાઇનરીમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ.જ્યારે રાત્રે 8-30 વાગ્યે ફરી રિફાઇનરીમાં બીજી વખત પણ બ્લાસ્ટ થયો હતો.
રિફાઇનરીની 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ ફાયર વિભાગની 25થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. જ્યાં અમદાવાદ, આણંદ, વડોદરા ગ્રામ્યની ફાયરની ટીમ, ભરૂચ પાલિકા, અંકલેશ્વર, GNFC, NTPCની ટીમ પણ બોલાવાઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રિફાઇનરીમાં બ્લાસ્ટને કારણે આસપાસના આસપાસના એક કિમી વિસ્તારમાં ઘરોમાં બારી-બારણાના કાચ તૂટ્યા.આ સ્થિતિની ગંભીરતાને જોતા કંપનીમાં અંદર કામ કરતાં કર્મચારીઓને રજા આપી દેવામાં આવી.આ સાથે જ IOCLના ગેટ પર CISFનો કાફલો ખડકી દેવામાં આવ્યો. મામલાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કોંગ્રેસના નેતા અમી રાવત સહિતના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા. હાલ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના જવાનો પણ તૈનાત કરી દેવાયા છે. જો કે આ સમગ્ર ઘટનાની જાણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ કરવામાં આવી હતી.
રિફાઇનરીમાં બ્લાસ્ટની ઘટનામાં કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતનો સૌથી મોટો દાવો કર્યો છે. IOCLની આગનો ધૂમાડો આસપાસના ગામોમાં પ્રસર્યાનો દાવો કર્યો છે. આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ ન થાય તે માટે માસ્કનું વિતરણ કરાયું છે. વડોદરા કેમિકલ બોંબ પર બેસેલું શહેર છે આ દાવો નરેન્દ્ર રાવતે કર્યો છે. દુર્ઘટના સમયે એલર્ટ માટે તંત્ર પાસે કોઇ સિસ્ટમ નથી. 100થી વધુ કેમિકલ ફેક્ટરી, ભોપાલકાંડ જેવી દુર્ઘટના થઇ શકે તેવુ પણ કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યુ છે. કલેક્ટરે ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાન જાહેર કરવો જોઇએ.
Published On - 7:39 am, Tue, 12 November 24