
ગુજરાતમાં વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે. વડોદરાના વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામુ આપી દીધુ છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યુ છે. સાથે જ હવે તેઓ ટૂંક સમયમાં ફરીથી ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે.
રાજીનામું આપવા અંગે ધર્મેન્દ્રસિંહે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, હું ભાજપમાં જ જોડાયેલો હતો અને છું.વડાપ્રધાન મોદી દેશને દુનિયાની ફલક પર લઇ જતા હોય ત્યારે તેમનો સહભાગી બનવા માગુ છુ.હુ અને જનતા બંને ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી ખુશ છીએ. આગામી સમયમાં પાર્ટીની જે ઇચ્છા હશે તે કરીશ.
હવે લોકસભાની ચૂંટણી સમયે જ પેટાચૂંટણી પણ યોજાય તેવી સંભાવના છે. નોંધનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે અગાઉ મુલાકાત પણ કરી હતી. જે પછી તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. તેઓ વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2022માં અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. તેઓ વાઘોડિયા બેઠક પર દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવને હરાવી ચૂક્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલા ભાજપમાં જ હતા, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા પણ હતા. જો કે હવે તેઓ ભાજપમાં જોડાશે અને ભાજપમાંથી જ ફરી ચૂંટણીમાં ઊભા રહે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યુ છે. જે પછી ફરી એકવાર આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે,ત્યારે ભાજપમાંથી ફરી ચૂંટણી લડીને તેમને ભાજપમાંથી પદ આપવાની રણનીતિ ઘડાઇ રહી છે.
Published On - 12:56 pm, Thu, 25 January 24